36મી એન.સી.સી. બટાલિયન, ભુજના કેડેટ્સ માટે સિવિલ ડિફેન્સ બેઝિક ટ્રેનિંગનું આયોજન કરાયું

નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા ૩૬મી એન.સી.સી. બટાલિયન, ભુજના કુલ ૫૦૦ જેટલા કેડેટ્સ માટે ભુજ તાલુકાના નારણપરા કેરા ખાતે ચાલી રહેલા દસ દિવસના સમર કેમ્પમાં સિવિલ ડિફેન્સ બેઝિક તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો ઉદ્દેશ કેડેટ્સને આપત્તિ દરમિયાન ઉપયોગી બનતી વ્યવહારુ માહિતી આપવાનો અને કુશળતા વિકસાવવાનો હતો. 
નાગરિક સંરક્ષણના ચીફ વોર્ડનશ્રી  ચિરાગભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિત તમામ કેડેટ્સ તથા NCC ના કમાન્ડિંગ ઓફિસરશ્રીનું નાગરિક સંરક્ષણ દળ, કચ્છ વતી અભિવાદન કરવામાં આવ્યું હતું તથા નાગરિક સંરક્ષણ દળની કામગીરી, રચના તથા  સ્થાપના અને તમામ વિભાગોના સહયોગથી કાર્યરત ૧૨ - સેવા માહિતી આપવામાં આવી. 
વોર્ડનશ્રી રોહિત ઠક્કર દ્વારા ફાયર અને સેફ્ટી અને પ્રાથમિક સારવાર અંતર્ગત આગ કેવી રીતે લાગી શકે, તેના પ્રકારો અને તેને કાબૂમાં લેવા માટે ઉપયોગી છ પ્રકારના ફાયર અગ્નિશામક તેમજ ઈજા વખતે લોહી અટકાવવા માટેના ત્રણ પ્રકારના પાટા, દાઝી જવાય ત્યારે અપાતી સારવાર અને હ્રદય પુનઃસ્ત્રાવન પદ્ધતિ (CPR)ની તાલીમ મેનીકીન દ્વારા ડેમોસ્ટ્રેશનથી આપવામાં આવી હતી. 
વોર્ડનશ્રી અરુણભાઈ જોશી એ હવાઈ હુમલા દરમિયાન સાવચેતીના પગલાં, સાયરનની પેટર્ન અને અંધારપટમાં સહયોગ કરવાની બાબતો વિશે સમજણ આપી હતી. વોર્ડન સભ્યશ્રી વંદનાબેન પરમારે તાલીમમાં હાજર રહીને આયોજનમાં પોતાની ભૂમિકા અદા કરી હતી. 
આ સમગ્ર તાલીમ યુવાનોમાં શિસ્ત, રાષ્ટ્રીયતા અને સ્વ-રક્ષણ, સમાજ-રક્ષણથી રાષ્ટ્ર રક્ષણનાં કાર્યની ભાવના વિકસાવામાં ઉપયોગી બને છે. NCC આર્મી વિંગના કમાન્ડીંગ ઓફીસરશ્રી કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્સને સુંદર અને ઉપયોગી તાલીમ આપવા બદલ નાગરિક સંરક્ષણ કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Box – 1
1960માં ગુજરાત રાજ્યની રચના બાદ 1 Circle Cadet Corpsનો વિભાગ થયો અને 9 મે 1960થી અમદાવાદ ખાતે કામગીરી શરૂ થઈ. 1963થી આ કાર્યાલય NCC ડિરેક્ટોરેટ, ગુજરાત તરીકે ઓળખાય છે. ગુજરાતના પાંચ જૂથ પૈકી કચ્છ જિલ્લો જામનગર જૂથ હેઠળ આવે છે. કચ્છ જિલ્લામાં 36 Guj Bn NCC, ભુજ, 5 Guj Naval Unit NCC, ભુજ, 6 Guj Naval Unit NCC, ગાંધીધામ એમ ત્રણ યુનિટ કાર્યરત છે. જેમાં લાલન કોલેજ, HJD કોલેજ, જે.બી. ઠક્કર કોલેજ વગેરે જેવી વિવિધ કોલેજો અને શાળાઓનાં વિદ્યાર્થીઓ જોડાયેલા છે. હાલમાં ભુજ NCCની આર્મી વિંગમાં કુલ ૧૧૦૦ અને નેવલ વિંગમાં ૮૦૦ જેટલા કેડેટ્સ જોડાયેલા છે.

Box – 2
નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા વર્ષ – ૨૦૨૪-૨૫માં કુલ – ૧૦,૧૦૦ જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. ૧૮ વર્ષ કરતા વધુ ઉંમર અને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ એવા ભારત દેશના તમામ નાગરિકો આ પ્રાથમિક તાલીમ મેળવી નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈ શકે છે.

એક સુરક્ષિત અને સશક્ત સમાજની રચના કરવા માટે NCCનાં દરેક કેડેટ્સ અને દેશના નાગરિકો આ તાલીમ મેળવે, જાગૃત બને અને નાગરિક સંરક્ષણ દળમાં જોડાઇને કુટુંબ, સમાજ અને દેશને મદદરૂપ થાય તે ખૂબ જ જરૂરી છે તેમ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા દ્વારા જણાવાયું છે.