ભુજમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ


ભુજમાં સેવન સ્કાય હોટેલ ખાતે વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષણ શ્રી ડો. સંદિપકુમારની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ ક્ષેત્રે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તીઓની સરાહના સાથે માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા દ્વારા ગામના સરપંચશ્રીઓને હરીયાળુ કચ્છ બનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેના આહવાન સાથે વૃક્ષરથને લીલીઝંડી આપાય હતી, તેમજ ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ દ્વારા તમામ સરપંચશ્રીઓને વન વિભાગના સહયોગ મારફતે વૃક્ષારોપણને ઝુંબેશ તરીકે અપનાવી પર્યાવરણનું સંરક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચ્છ વિસ્તરણ વન વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી જયનકુમાર પટેલે જણાવ્યું હતું કે, “વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ૪૦ લાખ રોપાનું વિતરણ તથા નવ લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે.” જે અંતર્ગત ભુજ અને માધાપરમાં ૧૫૦૦ રોપાનું મફત વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠકકર, મદદનીશ વન સંરક્ષકશ્રી પી.એન.વાઘેલા, ભુજ રેન્જના રે.ફો.ઓ.શ્રી આર.જે.દેસાઈ, નખત્રાણા રેન્જના રે.ફો.ઓ.શ્રી આઇ.જે.મહેશ્વરી તેમજ સ્થાનિક વનપાલ, તમામ વનરક્ષકશ્રીઓ, ગ્રામ પંચાયતના ૧૦૦ જેટલા સરપંચશ્રીઓ સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં પધારેલા લોકોને નમો વડ વન અભિયાન ૨.૦ અંર્તગત વડ, પીપળ, જમરૂખ, જાંબુના રોપા તેમજ ચકલીઘરની ભેટ આપવામાં આવી હતી.
