વોંધમાં આરોગ્ય સુરક્ષાનું કવચ બન્યો આયુષ્માન કાર્ડ કેમ્પ

ગ્રામ્ય વિસ્તારના પાત્ર નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી મળી રહે અને કોઈપણ લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે હેતુસર વોંધ ખાતે વિશેષ આયુષ્માન–PM-JAY કાર્ડ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્માન આરોગ્ય મંદિર વોંધ-૧/૨ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કેમ્પ દરમિયાન કુલ ૫૧ નાગરિકોના આયુષ્માન કાર્ડ સ્થળ પર જ સફળતાપૂર્વક બનાવી આપવામાં આવ્યા હતા. ગામમાં જ કાર્ડ બનાવવાની સુવિધા મળતા ગ્રામજનોને સમય અને મુસાફરીના ખર્ચમાંથી રાહત મળી હતી.
આ પ્રસંગે ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ દ્વારા ગ્રામજનોને આયુષ્માન કાર્ડના ઉપયોગ, પાત્રતા તથા યોજનાના આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પાત્ર તમામ નાગરિકોને આયુષ્માન કાર્ડ કઢાવી યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
કેમ્પને સફળ બનાવવા પેટા આરોગ્ય કેન્દ્ર વોંધના CHO જીતેન્દ્ર મેરિયા, લક્ષ્મીબેન રાઠોડ, MPHW ઉમંગભાઈ ઉંડવીયા, મૂળજીભાઈ સોનારા, FHW જયશ્રીબેન ચૌહાણ તથા સ્થાનિક આશા બહેનો દ્વારા સંકલિત અને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં જ આયુષ્માન કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતા ગ્રામજનોએ કામગીરીની પ્રશંસા કરી આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
‘આયુષ્માન કાર્ડ – દરેક પાત્ર પરિવાર માટે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ’ એવા સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા પાત્ર નાગરિકોને યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.