અમદાવાદ ખાતે ઘટેલી ગમખ્વાર વિમાન દુર્ઘટના બાબતે શોકની લાગણી વ્યક્ત કરતું કચ્છ જીલ્લા ભાજપ
અકસ્માતમાં મૃત્યુ પામેલ યાત્રીઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતું કચ્છ ભાજપ
ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અત્યંત આકસ્મિક નિધનથી આ કપરી વેળાએ જીલ્લા ભાજપ સંગઠન પરિવારજનોની પડખે
આજરોજ અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત ભયાનક વિમાન દુર્ઘટના અંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિત સમગ્ર કચ્છ જીલ્લા ભાજપ પરિવારે ભારે શોકમગ્ન હૈયે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
સમગ્ર કચ્છ ભાજપ સંગઠને પૂરા દેશને હચમચાવી મુકનાર આ ભયંકર ગમખ્વાર અકસ્માતમાં અત્યંત દુર્ભાગ્યપણે મોતને ભેટેલા તમામ યાત્રીઓના પરિવારજનો પ્રત્યે ભારોભાર સંવેદનાની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી વરચંદે જણાવ્યું હતું કે આ વિમાનમાં સવારી કરી રહેલા ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ હાદસામાં અત્યંત દુઃખદ અવસાન થયું છે જેણે સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ સહિત દેશ દુનિયાના રાજનેતાઓને શોકની ગર્તામાં ધકેલ્યા છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલ આ પહાડસમી અણધારી આફતની ઘડીએ સમગ્ર જીલ્લા ભાજપ પરિવારની લાગણી અને સંવેદના સ્વ. રૂપાણીજીના પરિવારજનો સાથે છે.
પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જીલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય સહિત સર્વે અગ્રણીઓએ આ વસમી વેળાએ શોકાંજલી પાઠવી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
