આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે

image

ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન આવતા મહિને ભારતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. મસૂદ 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનાર 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. ઇરાન સરકારે રાષ્ટ્રપતિની ભારત યાત્રાના સમાચારને સત્તાવાર સમર્થન આપ્યું હતું. વર્ષ 2026માં બ્રિક્સનું અધ્યક્ષપદ ભારત સંભાળી રહ્યું છે. આ વૈશ્વિક મંચનાં માધ્યમથી બન્ને દેશો વચ્ચે કૂટનીતિક, આર્થિક અને રણનીતિક ભાગીદારીના નવા આયામો ખૂલવાની આશા છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ એશિયામાં તીવ્ર તાણ વચ્ચે ઇરાની રાષ્ટ્રપતિ ભારત આવી રહ્યા છે. ભારત અને ઇરાન વચ્ચે કૂટનીતિક સંપર્ક વધ્યો છે. જુલાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મસૂદ પેજેશ્કિયાન વચ્ચે ફોન પર વાત થઇ હતી, જેમાં બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પશ્ચિમ એશિયામાં તાણ સહિત મુદ્દે ચર્ચા કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન સિવાય મોદી અને મસૂદ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ પ્રસ્તાવિત છે. એ બેઠકમાં ખાસ કરીને ચાબહાર બંદરના વિકાસ અને દ્વિપક્ષીય વેપાર વધારવા પર નક્કર પ્રગતિ શક્ય છે. ઇરાન 2024માં સત્તાવાર રીતે બ્રિક્સનું પૂર્ણ સભ્ય બન્યું હતું. પેજેશ્કિયાનના પ્રવાસથી ભારત-ઇરાનના બહુપક્ષીય સહયોગને મજબૂતી મળશે.