માંડવી નગર પાલિકાની લાઈબ્રેરીના અંડરગ્રાઉન્ડમાં વર્ષોથી ભરાયેલ પાણી દુર્ગંધ મારી રહ્યું છે…


વિદ્યાર્થીઓ અને વાચકો આ દુર્ગંધ મારતા પાણીથી ત્રાસી ઉઠ્યાં છે અને તાત્કાલિક પાણી ખાલી કરવાની માંગ કરી છે…
માંડવી નગરપાલિકા દ્વારા સંચાલિત લાઈબ્રેરી શિક્ષણપ્રેમીઓ અને વાંચનશીલ નાગરિકો માટે દુઃખદ દ્રશ્ય બની ગઈ છે. લાઈબ્રેરીના અંડરગ્રાઉન્ડ વિભાગમાં વર્ષોથી વરસાદી પાણી ભરાયેલા રહેતા હવે તેનો ભયાનક સ્વરૂપ દેખાવા લાગ્યું છે. આ જૂનું પાણી હવે સતત દુર્ગંધ ફેલાવી રહ્યું છે જેના કારણે લાઈબ્રેરીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને વાચકો ત્રાસી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષોથી આ સમસ્યા છે પણ હજુ સુધી નગરપાલિકા દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યા નથી. ગ્રાઉન્ડ ફ્લોરના નીચેના ભાગમાં એકપ્રકારનો “ગટર તળાવ” સર્જાય ગયો છે જે જુઓ તો દર્દ થાય એવું દ્રશ્ય છે. સતત સડતો પાણી દુર્ગંધના કારણે લોકો લાઈબ્રેરીમા બે મિનિટ પણ ન રહી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે.
લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા આવનારા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, “અમે અહિયાં શાંતિથી વાંચવા આવતા હતા, પણ હવે દુર્ગંધ અને માછરોના કારણે અભ્યાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે.” સ્થાનિકોએ તાત્કાલિક આ પાણીનું નિકાલ કરવામાં આવે અને લાઈબ્રેરીના ભવિષ્ય માટે યોગ્ય જાળવણી થાય તેવી માંગ ઉઠાવી છે.
શહેરની પ્રસિદ્ધ લાઈબ્રેરીમાં આવી દયનીય હાલત હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવા શરમજનક બાબત ગણાય રહી છે. હવે નગરપાલિકા જવાબદારી લઈ અને લાઈબ્રેરીને ફરી સ્વચ્છ, શાંતિપૂર્ણ અને વાચનયોગ્ય બનાવે તેવી લોકોમાં અપેક્ષા છે.