કચ્છ જીલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

તાજેતરમાં જ યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા તેમજ બિનહરીફ થયેલા ગામોના 150 કરતા વધારે પ્રથમ નાગરિકોના સન્માનનો કાર્યક્રમ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ નવનિયુક્ત સરપંચોને અભિનંદન પાઠવતા ગામડાઓનો વિકાસ થાય અને લોકોને વધુમાં વધુ સગવડ થાય તેવા કાર્યો કરવા જણાવ્યું હતું તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહતમ યોજાનાઓનો લાભ ગામડાની જનતાને મળે તે માટે સક્રિય રહેવા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના ઉચ્ચતર વિકાસના સપનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. સાથોસાથ ગ્રામોથ્થાનના કાર્યોમાં જ્યાં જ્યાં તેમના સહયોગની જરૂર જણાય ત્યાં સહયોગ આપવાની ખાત્રી આપી હતી.
જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ સન્માન સરપંચોની સાથે તેમને જેમણે ચૂંટ્યા છે તે ગામલોકોનું સન્માન છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ડબલ એન્જીનની તાકાતથી કામ કરી રહી છે ત્યારે આ વિકાસની ગાડીમાં જોડાઈ જઈ લોકોની સુખાકારી માટે તેમજ રાષ્ટ્ર્ર માટે કામ કરવા ભલામણ કરી હતી. સરકાર અને ભાજપ સંગઠન હંમેશા તમારા સારા કાર્યોમાં તમારી સાથે રહેશે એવી ખાત્રી પણ તેમણે આ તબક્કે આપી હતી.
ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને ત્રિકમભાઇ છાંગાએ પણ સર્વે નવનિયુક્ત સરપંચોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવીને તેઓને પાયાના પથ્થર ગણાવી ગામડાના વિકાસ થકી જિલ્લાના અને સરકારના વિકાસ અભિયાનમાં સહયોગી બની ચાવીરૂપ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના અધ્યક્ષ શક્તિસિંહ જાડેજાએ પણ તમામ નવનિયુક્ત સરપંચોને આવકારીને સંગઠન સાથે રહીને ગામોના વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું.
આ સન્માન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, વિવિધ મંડળના પ્રમુખો ભીમજીભાઈ જોધાણી, ગણપતભાઈ રાજગોર, ધર્મેશભાઈ કેસરાણી, સામતભાઇ ગઢવી, બાબુભાઇ આહીર, વાઘજીભાઈ છાંગા, નશાભાઈ દૈયા તેમજ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રીઓ રણછોડભાઈ આહીર, મહેન્દ્રસિંહ જાડેજા તેમજ વિવિધ ગામડાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં માં હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિએ તેમજ આભાર વિધિ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જયંતભાઈ માધાપરીયાએ કરી હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.