રમતથી નિયમિતતા, એકાગ્રતા સાથે લોહીનું પરીભ્રમણ,  સારી શ્વસનક્રિયા થવાથી શારીરિક અને માનસિક રીતે નીરોગી રહી શકાય

વર્ષો જુની સંતાકૂકડી, સાતતાળી, ટાયર ફેરવવાની રમત હોય કે પછી આજની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમાતી ક્રિકેટ, વોલીબોલ, ટેનીસ, બેડમિન્ટન, ખોખો, કબડ્ડી, હોકી સહિતની વિવિધ હોય, તે રમતોના નામ સામે આવતાં જ આપણા મનમાં એક ઉત્સાહ આવી જાય છે. રમત રમીને મજા કરતાં કરતાં આપણે મેદસ્વિતાથી છૂટકારા સાથે સ્વાસ્થ્ય પણ જાળવી શકીએ છીએ. આજે રમત એ મોજ શોખ પૂરતું જ સીમિત ન રહેતા સારા સ્વાસ્થ્ય માટે પણ આવશ્યક ભૂમિકા ભજવે છે….. ત્યારે યુવાનો, બાળકો અને વૃધ્ધો કોઈ પણ રમત સાથે જોડાઈને રમતાં રમતાં વજન ઘટાડીને સ્વસ્થ રહી શકે છે. તો આવો જાણીએ મુકેશભાઈ ગોર પાસેથી સ્વાસ્થ્ય અને રમત કઈ રીતે જોડાયેલા છે તેના વિશે…

ભુજના રહેવાસી મુકેશભાઈ ગોર છેલ્લા ૨૪ વર્ષથી ક્રિકેટ કોચ તરીકે ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેઓ પોતાના અનુભવોની વાત કરતાં જણાવે છે કે, રમત એક એવું માધ્યમ છે જેનાથી આપણે શરીરની પૂરતી કસરત કરી શકીએ છીએ. શરીરના હલન ચલન સાથે નિયમિતતા, એકાગ્રતાનું પ્રમાણ વધે છે. લોહીનું પરીભ્રમણ અને શ્વસનક્રિયા સારી રીતે થાય છે તેથી રમત થકી શારીરિક અને માનસિક નીરોગી રહી શકાય છે. સાથે જ ટીમમાં કામ કરવાથી વધુ શીખવા પણ મળે છે. દરેક રમત આપણને કઈેકને કઈેક શીખવે છે જેમ કે,  ક્રિકેટ ટીમ વર્ક શીખવે, ચેસથી એકાગ્રતા વધે છે આમ કાર્યકુશળતા, ચપળતા સાથે ત્વરિત નિર્ણયશક્તિ ખીલે છે.

તેઓ કહે છે કે, બદલાતી જીવનશૈલી અને વધતા જતાં આરોગ્યના પ્રશ્નો સાથે જ વધતી હરીફાઈના કારણે રમત ગમત ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવવી મુશ્કેલ બનતી જાય છે. કોઈ બાળકને આજે રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે સારુ સ્વાસ્થ્ય જરૂરી છે, મેદસ્વિતા અને નબળા સ્વાસ્થ્યના કારણે ઘણા બાળકોને નાસીપાસ થતાં જોયા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં અનેક લોકો રમત સાથે જોડાઈને ખુદને ફીટ બનાવ્યા છે. ઘણા એવા યુવાનો છે, જેમણે વિવિધ ગેમમાં ભાગ લઈને પોતાના સ્વાસ્થ્યની સંભાળ લીધી છે.

            તેઓ ઉમેરે છે કે, તેમની કારકિર્દીના વર્ષોમાં ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા છે જેમને રમતગમતક્ષેત્રે કારકિર્દી બનાવવા કે સપના પૂરા કરવા વધેલું વજન અને નબળું સ્વાસ્થ્ય બાધારૂપ બન્યું છે. દરેક યુવાનો અને બાળકોને મારો અનુરોધ છે કે પૂરતી ઊંઘ, યોગ્ય પૌષ્ટિક આહાર સાથે પોતાના સંકલ્પબળને આધારે વજન ઘટાડીને પોતાના સપના પૂરા કરી શકાય છે. દરેક ઉંમરના લોકો વિવિધ રમત સાથે જોડાઈને પોતાને મેદસ્વિતાથી મુક્ત કરી સ્વસ્થ બનાવી શકે છે. રમત આપણા મનપસંદ વિષય છે. ત્યારે રમત સાથે જોડાઈ રહેવાથી શરીરની કાર્યક્ષમતા પણ વધારી શકાય છે. આ સાથે જ સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નાગરિકોને સ્વસ્થ રહી સહભાગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

જિજ્ઞા પાણખાણીયા