હોર્મુઝ ખોલવા સહમતી : ટ્રમ્પનો દાવો ઈરાને નકાર્યો
copy image

મધ્ય-પૂર્વમાં સામસામી ચેતવણીઓ, સંઘર્ષથી દુનિયાભરમાં ઉચાટ વચ્ચે `ઝઘડાનાં મૂળ’ સમાન હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવા પર સહમતી સધાઇ હોવાના રાહત આપી શકે તેવા વાવડ મળ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઇરાન પર પ્રસ્તાવિત સૈન્ય હુમલો હાલતુરત ટાળી દેવાયો છે. બીજી બાજુ, ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, અમેરિકા આક્રમક સૈન્ય કાર્યવાહી નહીં રોકે ત્યાં સુધી હોર્મુઝ ખોલાશે નહીં. ઈરાન પીછેહટ નહીં કરે. માત્ર ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડસ કોર્પ્સની મંજૂરી મળ્યા પછી જ કોઈ પણ જહાજ હોર્મુઝ પરથી પસાર થઈ શકશે. દરમ્યાન, વોલસ્ટ્રટ જર્નલના અહેવાલ અનુસાર, અખાતી દેશોએ ઈરાન પર હુમલા રોકવાનું અમેરિકા પર દબાણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. હુમલાઓથી બેચેન સાઉદી અરેબિયાના ક્રાઉનપ્રિન્સ મોહમ્મદબિન સલમાને ટ્રમ્પને ફોન કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. ઇરાન અને મધ્ય-પૂર્વના કેટલાક દેશો તરફથી સમજૂતીનો પ્રસ્તાવ આવ્યા બાદ આ ફેંસલો લીધો હોવાનો દાવો ટ્રમ્પે કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, આ સમજૂતીની રૂપરેખા પર સહમતી સધાઇ છે, જેમાં હોર્મુઝ તરત ખોલવા અને ઇરાનના પરમાણુ ખતરા ખતમ કરવાની શરતો સામેલ છે. સાથોસાથ ટ્રમ્પે એક મહત્ત્વની વાત કરતાં જણાવ્યું હતું કે, ઇરાન પર સૈન્ય હુમલા ટાળવાના ફેંસલામાં ઇઝરાયલ પણ અમેરિકાની સાથે જ છે. અગાઉ એક અહેવાલમાં દાવો કરતાં જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઇરાન પર હુમલા રોકવા ટ્રમ્પને અપીલ કરી હતી. જો કે, તજજ્ઞો કહે છે કે, ટ્રમ્પે હુમલા રોકવાનો નિર્ણય લીધા પછીયે સ્થિતિ નાજૂક છે. ઇરાન કોઇ ધમકી હેઠળ વાતચીત કરવા તૈયાર નથી. ઈરાન અને અન્ય ખાડી દેશોએ હુમલા રોકવા માટે અનુરોધ કર્યાના ટ્રમ્પના દાવા પછી સૈન્ય અધિકારીઓના હવાલેથી ઈરાની મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે, આ વધુ એક જુઠાણું છે અને ઈરાની સેના કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.