મેદસ્વિતાથી મુક્તિ માટે શરીરની તાસીર મુજબ યોગ્ય આહાર સાથે હળવી કસરતો મદદરૂપ બને છે – ડૉ.જીગ્નેશ ઠક્કર, આયુર્વેદિક મેડિકલ ઓફિસર, લોડાઇ


મેદસ્વિતાથી આજે અનેક નાગરિકો પીડાઇ રહ્યા છે ત્યારે આયુર્વેદિકની દ્રષ્ટિએ કઇ રીતે યોગ્ય આહાર અને શરીરની તાસીર મુજબ પગલા લેવાથી મેદસ્વિતાથી ચોક્કસ મુક્તિ મેળવી શકાય છે. રાજ્ય સરકારે નાગરિકોને મેદસ્વિતાથી મુક્તિ કરવા અભિયાન શરૂ કર્યું છે ત્યારે કચ્છમાં ૨૧ આયુર્વેદિક દવાખાના તથા ૧૩ હોમિયોપેથી દવાખાનામાં નાગરિકો ડૉક્ટરની મુલાકાત લઇને વ્યક્તિગત ડાયટ પ્લાન તથા શરીરની તાસીર મુજબની કસરત અંગેનું માર્ગદર્શન મેળવી શકે છે.
કચ્છના લોડાઈ ગામના સરકારી આયુર્વેદિક દવાખાનાના આયુર્વેદિક ઓફિસરશ્રી ડૉ.જીગ્નેશ ઠક્કર જણાવે છે કે, વિશ્વમાં મોટાભાગના લોકો મેદસ્વિતાથી પીડાઇ રહ્યા છે, વજન વધવાથી લોકોને આરોગ્યને લઇને અનેક સમસ્યા પણ ઉભી થાય છે. વર્તમાન સમયમાં તો બાળકો પણ મેદસ્વિતાથી બાકાત રહ્યા નથી. ત્યારે આપણે આ બાબતે જાગૃત બનીને શરીરના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનીને પગલા ભરવાની તાતી જરૂરિયાત છે. તેઓ ઉમેરે છે કે, આયુર્વેદિક મુજબ મેદસ્વિતાથી મુક્ત થવા માટે સૌ પ્રથમ શરીરની તાસીર મુજબ દૈનિક આહાર તથા દિનચર્યા ગોઠવવી જરૂરી છે. જેમાં સૌ પ્રથમ યોગ્ય આહારનું મહત્વ છે. વજન નિયત્રિંત રાખવા તથા વધેલા વજનને ઘટાડવા માટે પેટના ત્રણ ભાગ સમજીને જમવાનું લેવું, જેમાં પ્રથમ ભાગ પ્રવાહી, બીજાભાગમાં સોલીડ તથા ત્રીજો ભાગ ખાલી રહે તે રીતે જમવું જોઇએ. મતલબ કે, ભૂખ કરતા ઓછું જમવું તેમજ જેટલું લિક્વીડ લેવું તેટલું જ સોલીડ જમવાનું થાળીમાં સામેલ કરવું જોઇએ. ભોજનમાં પ્રોટીન તેમજ કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ સરખું હોવું જરૂરી છે.
ડૉ.જીગ્નેશ ઠક્કર ઉમેરે છે કે, ખોરાક શરીરના અગ્નિબળ પર આધારિત રાખે છે તેથી બેઠાળું જીવન જીવતા તેમજ વધુ પડતી નીંદર લેતા લોકોએ ખાસ સાવચેત રહેવું જોઇએ. ખાસ, કરીને દિવસે સુવાનું ટાળવું જોઇએ, દિવસે સુવાથી મેટાબોલિઝમ ધીમું પડે છે તેથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે. તેમજ વજન કાબૂમાં રાખવા તેમજ ઘટાડવા માટે પ્રયાસ કરતા લોકોએ જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી પેટ જલ્દી ભરાઇ જશે ભોજન ઓછું જશે. ઉપરાંત ચાવી ચાવીને ખોરાક લેવા સાથે ૩ કિ.મી ઝડપથી ચાલવું હિતાવહ છે. તેઓ જણાવે છે કે, દોરડા કૂદવા સૌથી સારી કસરત છે. તેમાં સમગ્ર શરીરની કસરત થઇ જાય છે.
આજના સમયમાં જ્યારે જંકફૂડ તેમજ વારંવાર ખાવાની આદતથી લોકો મેદસ્વિતાથી પીડાઇ રહ્યા છે ત્યારે ડૉ.ઠક્કર જણાવે છે કે, બે ભોજન વચ્ચે ૧૩ થી ૧૬ કલાકનો સમય ઓછામાં ઓછો રાખવો જોઇએ. જો જમવાના અવરસ ઘટાડવામાં આવે તો વજન કાબૂમાં રહી શકે છે. મેદસ્વિતાનો ભોગ બનનારને હદયરોગ, ડાયાબિટીસ સહિતના રોગ થવાની સંભાવના વધી જાય છે. ખાસ કરીને બાળકોની ચિંતા કરતા તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં મોટાભાગના બાળકો વજન વધવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે ત્યારે દરેક વાલીએ જમવાના સમયે મોબાઇલ આપવાનું ટાળવું જોઇએ, કારણ કે, મોબાઇલના કારણે બાળકોનું ધ્યાન જમવાના બદલે મોબાઇલમાં હોવાથી તેઓ ભૂખ કરતા વધું ભોજન લઇ લેતા હોય છે , ઉપરાંત તેઓને ઓનલાઇન ગેમીંગ કે ઘરમાં બેસીને રમાતી રમતોના બદલે શેરી રમતો રમવા પ્રોત્સાહિત કરવા જોઇએ. બાળકોના ભોજનમાં વાલીએ ફેટ અને કાર્બોહાઇડ્રેટની માત્રાના બદલે પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઇએ. સાથે સાથે બાળકોને હળવી કસરત કરવા પ્રેરવા જોઇએ.
જિજ્ઞા વરસાણી