ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ
રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્થળોએ જુદા જુદા ટોલ પ્લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલો ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્સી સાથે કરાર કરી ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુન્દ્વા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સૂરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ, ભીરંડીયારા ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝાના લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામામાં ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
ટોલ પ્લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલા છે. આ ગામોના લોકો કોર્મશિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજ્ય સરકારના આ જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ચાર્જ ચૂકવણી કરતા નહીં હોવાના સંદર્ભમાં આ ટોલ પ્લાઝાઓ ખાતે અવાર-નવાર સૂલેહ શાંતિનો ભંગ થવાના અને નિયત કંપનીના એજન્ટો, નોકરો તેમજ સિક્યોરિટી સ્ટાફ વચ્ચે જાહેરમાં મારા-મારી અને તોડફોડના બનાવો બને છે. જેને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ચક્કાજામના કારણે વાહન વ્યવહાર થંભી જવાના બનાવો બને છે. જેને પરિણામે નાગરિકો મુસાફરી, અસલામતી અને ભય અનુભવે છે. કેટલીક વખત એમ્બ્યૂલન્સ, ફાયર ફાઇટર જેવા વાહનો સમયસર જે તે સ્થળે પહોંચી શકતા નથી. જેથી લોકોના જાન માલને જોખમ ઉભું થવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે. આવા બનાવો નિવારી શકાય તે માટે આ ટોલ પ્લાઝાથી પસાર થતાં વાહનો રાજ્ય સરકારના જાહેરમાનાનો અમલ કરે અને નિયત કરવામાં આવેલ ટોલ દરની ચૂકવણી કરે તેમજ અધિકૃત કરેલ વ્યક્તિઓની કામગીરીમાં અડચણ ન કરે તે માટે યોગ્ય પગલાં લેવા યોગ્ય જણાય છે.
રાષ્ટ્ર અને રાજ્યની સલામતી માટે તેમજ ગુનાખોરી નિયંત્રણમાં રાખવા જિલ્લામાં સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું અમલમાં છે. ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લામાં તેમજ રાજ્ય બહાર પણ નાસી જતા હોય છે. તેમણે ઉપયોગમાં લીધેલા વાહનની વિગતો પછીથી મળતી હોય છે. કચ્છના ટોલ નાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ કેટલાક લોકો ટોલનાકા નજીકમાં આવેલી તેમની જમીનમાં થઇને વાહનોને ટોલ ગેઇટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડે છે. આવા વાહનો ટોલ ગેઇટથી પસાર થતા ન હોવાના કારણે વાહનોના પ્રકાર અને ચાલકની ઓળખ મળી શકતી નથી. આવા વાહનોનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ થઈ શકતું નથી. પરિણામે ગુનાખોરીમાં સંડોવાયેલા વાહનોને પકડવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે પકડી શકાતા નથી. આવી પ્રવૃતિમાં સંડોવાયેલા વાહનોની ભાળ મળી શકતી નથી. તમામ વાહનો જિલ્લાના ટોલનાકા પર પસાર થતા સમયે ઉભા રહે તથા રાજ્ય સરકારે જાહેરનામામાં નક્કી કરેલ ટોલ ટેક્ષ ચૂકવીને જ પસાર થાય તે માટે જાહેર હિત અને જાહેર સલામતીના કારણોસર જાહેરનામું અમલમાં મૂકાયું છે.
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા મોખા ટોલ પ્લાઝા, તા.મુન્દ્રા-કચ્છ, સામખીયાળી ટોલ પ્લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્છ, સૂરજબારી ટોલ પ્લાઝા તા.ભચાઉ-કચ્છ, માખેલ ટોલ પ્લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્લાઝા તા.ભુજ ટોલ ભીરંડીયારા ટોલ પ્લાઝા તા.ભુજ નાકાઓ પરથી પસાર થતાં નાના મોટા વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નક્કી કરેલા ટોલટેક્ષ ચૂકવી તેની પહોંચ મેળવી અથવા નિયમોનુસાર મુક્તિ મળવા પાત્ર હોય તો તેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલનાકું પસાર કરવું. વિશેષમાં ઉપરોક્ત ટોલનાકા નજીક આવેલી જમીનમાંથી બાયપાસ થઇ પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ પસાર થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ હુકમનો સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૨/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી