કચ્છ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ


આજરોજ કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનરશ્રી હર્ષદ પટેલ, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે પ્રભારી સચિવશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે જનપ્રતિનિધિશ્રીઓના સંકલન બેઠકના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે તમામ પ્રયાસો કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને તાકીદ કરી હતી.
પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલે માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે, જીએસઆરડીસી, હેલ્થ અને આંગણવાડીના અધિકારીશ્રીઓ પાસેથી હયાત જાહેર માળખાકીય સુવિધાઓ અંગેની વિગતો મેળવી હતી. વરસાદી સિઝન દરમિયાન રોડ રસ્તાઓનું રીપેરીંગ ઝડપથી થાય, ભયજનક બ્રીજ અને સરકારી માળખાઓને પ્રતિબંધિત કરવામાં આવે તે માટે પ્રભારી સચિવશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ રોડ રસ્તાના રીપેરીંગ કામો ત્વરિત રીતે પૂર્ણ કરવા અને તેને લઈને ચોક્કસ આયોજન કરવા મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાંસદશ્રીએ ભુજમાં ભારે વાહનોના નિયમન અંગે રજૂઆત કરી હતી.
સંકલન બેઠકમાં અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ અકસ્માત વીમા યોજના, પાક ધિરાણ, નખત્રાણા ખાતે જાબરી ડેમ નિર્માણ, દયાપર સરકારી કોલેજ, અબડાસાના વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓના નવા ઓરડાઓનું નિર્માણ, ગૌમાતા પોષણ યોજના, વાહન આરટીઓ કેમ્પ, અબડાસામાં વિવિધ વીજ સબ સ્ટેશનના કામો, પ્રોપર્ટી કાર્ડ, કપચી કાંકરીના ભાવ, સુથરી ખાતે બળવંતરાય મહેતા સ્મારકના વિકાસનું કાર્ય, વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા, આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા વાહનોને દંડની કાર્યવાહી વગેરે સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા વનવિભાગની રોપા વિતરણ અને ઉછેરની કામગીરી, ભારાપર બળદિયા કેરા બાયપાસ, ખેડોઈ અને લાખાપર ખાતે બેંક સુવિધા, ટોલબુથનું નિયત અંતરે નિર્માણ, લીલાશાહ કુટિયા રેલવે ક્રોસિંગ, ભચાઉ હાઈવે ઉપર બ્રીજ અને અન્ડરબ્રીજ કે ક્રોસિંગ વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ, ઓવરબ્રીજની કામગીરી અને આંગણવાડી માટે જમીન ફાળવણી વગેરે બાબતે મૌખિક પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓની તમામ રજૂઆતોને પ્રાથમિકતા આપીને નાગરિકોના હિતમાં તમામ પ્રશ્નોના ઝડપથી ઉકેલ લાવવા બાબતે પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ અને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે અધિકારીશ્રીઓને કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ કમિશનરશ્રી મેહુલ દેસાઈ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ અને કચ્છ વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦