ગાંધીધામમાં મની ટ્રાન્સફરનો ધંધો કરતા વેપારી પર છરીની અણીએ લૂંટના ઇરાદે હુમલો

ગાંધીધામમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા રાજુભાઈ રસિકલાલ કોટક પર લૂંટના ઇરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો રાજુભાઈ તેમની દુકાન ખોલવા ગયા ત્યારે હાઇવે પર આવેલ રાધે કોમ્પ્લેક્સ પાસે બન્યો હતો.સવારે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ રાજુભાઈ જ્યારે પોતાની દુકાન ખોલી રહ્યા હતા, ત્યારે અચાનક બે અજાણ્યા શખ્સોએ છરી વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોનો મુખ્ય ઇરાદો લૂંટ કરવાનો હતો. હુમલા દરમિયાન રાજુભાઈને હાથ અને કાંડાના ભાગે ગંભીર છરીના ઘા વાગ્યા હતા, અને તેમની કોણી પર પણ ઈજા થઈ હતી. હુમલાખોરો સાથે ત્રીજી એક વ્યક્તિ બ્લુ કલરની બલેનો કારમાં નજીકમાં જ બેઠો હતો, જેણે ઘટનાને અંજામ આપવામાં મદદ કરી હોવાનું મનાય છે.