ટ્રાફિક જાગૃતિ તરફ મહત્વપૂર્ણ પગલાંના ભાગરુપ – નિરોણા પોલીસ સ્ટેશન અને એસ.એસ.પી.એ. હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયુ…

નિરોણા – તા. ૨૨ જુલાઈ, ૨૦૨૫:
પાવરપટ્ટી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરુપ નિરોણા પોલીસ સ્ટેશન અને સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ દ્વારા આજરોજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. શાળાના વિધાર્થીઓ તેમજ સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી બાબતે જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ રહેલ હતો.
નિરોણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી ગોહિલ સાહેબ અને શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
કાર્યક્રમમાં SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) તેમજ NSS (નેશનલ સર્વિસ સ્કીમ) ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. નિરોણા પોલીસ સ્ટેશનના પોલીસ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન, માર્ગ સલામતી તેમજ વાહન ચલાવતી વખતે કઈ કઈ ચીજોને ધ્યાનમાં રાખવી વગેરે વિષય પર વિસ્તૃત સમજણ અપાયેલ હતી. માત્ર થિયરી જ નહીં, પરંતુ પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકનું વાસ્તવિક આયોજન કેવી રીતે કરવામાં આવે તેનું પ્રેક્ટિકલ નિદર્શન પણ બતાવવામાં આવેલ હતુ.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફે સાથે મળીને ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ વિતરણ કરેલ હતુ અને વાહનચાલકોને લાઇસન્સ સાથે રાખવુ, હેલ્મેટ પહેરવુ, સીટ બેલ્ટનો ઉપયોગ, ઓવરસ્પીડિંગથી થતા અકસ્માતો વગેરે મુદ્દે જાગૃત કર્યા હતા.
ટ્રાફિક જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે SPC કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ NSS ઓફિસર રમેશભાઈ ડાભી દ્વારા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિધાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને જવાબદારીની ભાવના વધે તથા સમાજમાં ટ્રાફિક નિયમોની મહત્તા વધે એ મહત્વનો હેતુ રહેલ હતો તેમ જણાવેલ હતુ. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન નિરોણા પોલીસ સ્ટેશનના સ્ટાફે સંભાળેલ હતુ.