કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત ખેડૂતો ૮ ઓગસ્ટ સુધી આઈ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે

બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬માં કૃષિ યાંત્રિકીકરણની નવી યોજના શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત યોજનાની સહાય મેળવવા માટે ઈચ્છુક ખેડૂતો તા. ૨૫ જુલાઈ થી ૮ ઓગસ્ટ સુધીમાં આઈ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનિક પુરાવા અપલોડ કરી યોજનાનો લાભ લઈ શકશે.

કૃષિ યાંત્રિકીકરણની નવી યોજના અન્વયે ખેડૂતોને મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં)ની ખરીદી માટે એકમ ખર્ચના ૨૫% અથવા મહત્તમ રૂ. ૭૫૦૦૦, રોટાવેટર (મીની)ની ખરીદી માટે એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૪૦૦૦૦, કલ્ટીવેટર (મીની)ની ખરીદી પર એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૧૦૦૦૦ અને ટ્રેઇલર (મીની)ની ખરીદી માટે એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૪૦૦૦૦ તથા પાણીનું ટેંકર (મીની)ની ખરીદી માટે એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૪૦૦૦૦ની સહાય મળવા પાત્ર રહેશે. મીની ટ્રેક્ટરની ખરીદી સાથે મીની રોટાવેટર, મીની કલ્ટીવેટર સાધનો પૈકી ઓછામાં ઓછા કોઇ એક સાધનની ખરીદી પર આ સહાય મળવાપાત્ર રહેશે. આ સહાયનો લાભ કોઈ પણ લાભાર્થીને ૧૦ વર્ષમાં એક જ વખત મળશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં: ૩૨૦ બીજો માળ, બહુમાળી ભવન, ભુજ- કચ્છનો સંપર્ક કરવો તેમ ભુજ નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

૦૦૦૦૦૦