કચ્છમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે એક મહિનામાં ૧ લાખથી વધુ આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ

   કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર, વાડી વિસ્તાર, ઔદ્યોગિક વસાહતોમાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતાં. જિલ્લામાં ૭૦ વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તથા NFSA  લાભાર્થીઓને આ ઝુંબેશ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. જેમાં આશાબહેનો, ફિમેલ હેલ્થવર્કર અને સીએચઓ દ્વારા ઘરો-ઘર રૂબરૂ જઈને લાભાર્થીઓના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતાં. આ ઝૂંબેશમાં મેડીકલ ઓફિસર દ્વારા આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પનું પણ આયોજન કર્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કર્મચારીઓ દ્વારા કારાયેલી કામગીરીને બિરદાવી હતી તેમજ જિલ્લામાં કોઈ પણ લાભાર્થી આ રજિસ્ટ્રેશનથી વંચિત ન રહે તેની નોઁધ લેવા જણાવ્યું હતું.

       આયુષ્યમાન ભારત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે. જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એક મહત્વની આરોગ્ય વીમા યોજના પણ માનવામાં આવે છે. તેનો ઉદ્દેશ નાગરિકોને મફત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડવાનો છે. ગુજરાતમાં રાજ્ય સરકારે પીએમજેવાય યોજના અમલી કરી જે અંતર્ગત રૂપિયા ૧૦ લાખ સુધીની વિનામૂલ્યે આરોગ્ય સારવાર આપવામાં આવે છે. તાજેતરમાં ૭૦ વર્ષ અને તેથી ઉપરની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આ આરોગ્ય વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ ઝૂંબેશ અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ લાભાર્થીઓએ PMJAY કાર્ડ કઢાવી લેવા અપીલ કરી હતી.