વરસાદની ઋતુમાં સાપ કરડવાથી બચવા માટે ખાસ સાવચેતીઓ રાખવી જરૂરી

 હાલમાં ચોમાસાની ઋતુમાં સાપ કરડવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. સર્પદંશની સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાપ કરડે એટલે તરત જ ૧૦૮ ઈમરજન્સી નંબર પર કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ અને દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. દર્દીને આ સમય દરમિયાન સ્ટ્રેચર ઉપર ડાબા પડખે સુવડાવીને જમણો પગ વળેલો હોય અને હાથથી એના માથા ને ટેકો મળે તેવું કરવું જોઈએ જેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. સારવાર ટીમને ડંખનું કદ, સાપનો રંગ અને સમય જણાવવામાં આવે તો તેનાથી ડોકટરને યોગ્ય એન્ટિવેનોમની પસંદગીમાં મદદ મળે છે.

આ સમય દરમિયાન, દર્દીને સંપૂર્ણપણે સ્થિર અને શાંત રાખવો ખૂબ જ જરૂરી છે. શરીરમાં રક્ત પરિભ્રમણ વધતા ઝેર ઝડપથી ફેલાય છે. માટે, દર્દીને બની શકે તો સૂવડાવીને રાખવા જોઈએ. સાપ કરડવાથી ઘણી વખત સોજો આવી શકે છે, તેથી દર્દીનાં દાગીનાં, બેલ્ટ, વીંટી વગેરેને તરત જ કાઢી લેવા જોઈએ.

 સર્પદંશની સારવાર શક્ય છે. ભુવા જાગરિયા, તંત્ર-મંત્રમાં જશો નહીં. સાપને મારવાનો કે પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સર્પદંશ થયેલી જગ્યાને ચીરો કરવાની કે એમાંથી લોહી ચૂસવાની કોશિશ કદી પણ ન કરવી જોઈએ. સર્પદંશ થયેલી જગ્યા એ લોહી અટકાવી દેવા માટે કોઈ પટ્ટી કે દોરી બાંધવી જોઈએ નહી. બરફ લગાવો કે માલિશ પણ કરવી ન જોઈએ કારણ કે એનાથી નુકસાન થઈ શકે છે. જાતે કોઈ જડી બુટીથી ઈલાજ ન કરવો જોઈએ કારણ કે એનાથી કોઈ લાભ થશે નહીં. આ બધી સારવાર પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે બિનઅસરકારક છે અને કેટલીકવાર સમયસર મેડિકલ સારવાર ન મળતાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

 સાપ કરડવાથી બચવા માટે વરસાદની ઋતુમાં ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ. બહાર નીકળતી વખતે આખો પગ કવર થાય એવાં બુટ પહેરવા જોઈએ. હંમેશાં રાત્રિનાં સમયે ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં હાથ કે પગ મુકવાનો હોય એ જગ્યા પહેલાં ચેક કરવી જોઈએ. જમીન પર સૂવું ન જોઈએ કારણ કે સાપ જમીન પર સરળતાથી કરડી શકે છે, સાથે મચ્છરદાનીને સારી રીતે દબાવીને લગાવવી જોઈએ. જેથી સાપ અંદર ન આવી શકે. ઘરની આજુબાજુની જગ્યાઓને સ્વચ્છ રાખવી જોઈએ અને ઉંદરોનું નિયંત્રણ કરવું જોઈએ કારણ કે, સાપ ઉંદરોનો શિકાર કરે છે ઉંદરો સાપને આકર્ષે છે. સર્પદંશ રોકવા માટે અને જીવન બચાવવા માટે લોકોને જાગૃત કરવા જોઈએ એન્ટિવેનોમ દવા જ સર્પદંશનો એકમાત્ર ઈલાજ છે.