કચ્છમાં ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમો થકી “સંસ્કૃત સપ્તાહ” ની ઉજવણી કરાશે

કચ્છમાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત શિક્ષણ કચેરી દ્વારા આયોજિત “સંસ્કૃત સપ્તાહ” ની તા. ૬ થી ૮ ઓગસ્ટ દરમિયાન ઉજવણી કરવામાં આવશે.

“સંસ્કૃત સપ્તાહ” ની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસ ૬ ઓગસ્ટના રોજ જિલ્લા મથક ભુજ ખાતે “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવેલું છે. ગૌરવ યાત્રાનો સમય સવારે ૯.૦૦ કલાકથી બપોરે ૧૨.૦૦ કલાક સુધીનો રહેશે તથા યાત્રાનો રૂટ જ્યુબિલી ગ્રાઉન્ડ-વી.ડી. હાઇસ્કૂલ-બસ સ્ટેશન-હમીરસર તળાવ થઈને શ્રી સ્વામીનારાયણ મંદિર સુધીનો રાખવામાં આવેલો છે. આ ગૌરવ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે. “સંસ્કૃત સપ્તાહ” ની ઉજવણીના દ્વિતીય દિવસને “સંસ્કૃત સંભાષણ” દિવસ તરીકે કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે ઉજવવામાં આવશે. આ દિવસ દરમિયાન જિલ્લાની સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશ બનાવવામાં આવશે તથા સંસ્કૃત ગીત – શ્લોક ગાન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. સંસ્કૃત સપ્તાહ ઉજવણીના તૃતિય દિવસે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનનું આયોજન કરાશે, જેમાં સંસ્કૃત સાહિત્યના પ્રાચીન અને અર્વાચિન ગ્રંથો અને પુસ્તકોનું પ્રદર્શન કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.