કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ

        આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધી સરકારશ્રીની સૂચના અન્વયે તિરંગા યાત્રા યોજાઈ તે બાબતે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તિરંગા યાત્રા સાથે જ શાળા કોલેજમાં ક્વિઝ, વકતૃત્વ અને રાખી મેકિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાઈ તે રીતે જનભાગીદારીથી આયોજન કરવા તેમજ હર ઘર તિરંગા અભિયાન વિવિધ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, સરકારી સંસ્થાઓ, કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓને સાથે રાખવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ વખતે હર ઘર તિરંગા અભિયાનની થીમ સ્વચ્છતા સાથે સંકળાયેલી હોય ગામડાઓ અને શહેરોના રસ્તાઓની સફાઈનું આયોજન કરવા બાબત કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. 
દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ  અભિયાન અંતર્ગત તા.૦૬/૦૮/૨૦૨૪ થી તા.૧૫/૦૮/૨૦૨૪ ને સ્વતંત્રતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે. કચ્છમાં જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તા.૧૨/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૦૮-૦૦ કલાકથી જ્યુબિલી ગ્રાઉન્ડથી કચ્છમિત્ર સર્કલ, બસ સ્ટેન્ડ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે. આ વર્ષે  હર ઘર તિરંગા-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણીની થીમ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ" રાખવામાં આવી છે. 
    આ બેઠકમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અનિલ ગોર, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર.પ્રજાપતિ, ગાંધીધામ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજય રામાનુજ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા, ભુજ મામલતદારશ્રી એ.એન.શર્મા, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજય ઉપલાણા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાઘેલા સહિત તમામ ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.