આજરોજ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા “VB G RAM G” અભિયાન અંતર્ગત અંજાર એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંમેલન યોજાયું

ગ્રામીણ ભારતના વ્યાપક અને સ્થાયી પરિવર્તનની દિશામાં એક ઠોસ અને દૂરંદેશીભર્યું કદમ ઉઠાવવાના સુભાશયથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે “વિકસિત ભારત – G RAM G અધિનિયમ, 2025” ને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાએ મૂળભૂત રીતે અગાઉ પ્રવર્તતી મનરેગા યોજનાનું સ્થાન લીધું છે અને તેની રચના જુના કાયદામાં માળખાકીય ફેરફારની જરૂરિયાતોને આધારે કરવામાં આવી છે જેના થકી વિકસિત ભારત 2047 ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ વિકાસના મુખ્ય ઉદ્દીપક તરીકે ગ્રામીણ રોજગારને પુનઃવ્યાખ્યાયિત કરી શકાય.
આ યોજનાના વ્યાપક પ્રચાર પ્રસાર અને જરૂરી જનજાગૃતિના ઉદેશ્યથી હાલમાં તાલુકા કક્ષાએ ઠેરઠેર ખેડૂત શ્રમિક સંમેલનો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત કચ્છ જીલ્લા ભાજપ દ્વારા પણ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વિવિધ સ્થળોએ આ ખેડૂત સંમેલનો યોજાનાર છે જે પૈકી ગઈકાલે ભચાઉ ખાતે આ સંમેલન યોજાયા બાદ આવતીકાલે તારીખ 13 ના રોજ રાપર, માંડવી અને નખત્રાણા ખાતે, 14 તારીખે મુન્દ્રા અને 17 તારીખે ભુજ ખાતે સંમેલનો યોજાશે. આ અનુસંધાને આજરોજ અંજાર ખાતે પણ એક ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું.
અંજાર ખેડૂત સંમેલનને સંબોધતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મહત્વકાંક્ષી, દુરોગામી યોજના થકી ગ્રામીણ શ્રમિકોના જીવન ધોરણમાં ચોક્કસપણે ઉન્નતિ આવશે. ગ્રામીણ ભારતની વિકાસયાત્રા વધુ વેગવંતી બનશે અને પરિણામે ગામડાઓ તમામ પરિપ્રેક્ષ્યમાં મજબૂત બનીને ઉભરી આવશે. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે મનરેગાની સાપેક્ષે આ યોજના થકી શ્રમિકોને વેતન ચુકવણાઓ સહિતની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.
રાજ્યમંત્રી ત્રીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે આ યોજના થકી વર્ષમાં 125 દિવસ કામની ગેરંટી આપવામાં આવે છે અને ફક્ત એક જ અઠવાડિયામાં તેઓને કામનું વળતર ચૂકવવાની પૂરતી જોગવાઈ સમાવિષ્ટ કરેલ છે. જો કોઈ કારણોસર 15 દિવસ સુધી વળતર ચૂકવવામાં ન આવે તો વ્યાજ સહિત વધારાની રકમ ચૂકવવાનો પણ આ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણને ધ્યાને રાખીને આ યોજનામાં ખાસ 33% મહિલાઓને કામ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ અગાઉ સંમેલનના પ્રારંભે સ્વાગત પ્રવચન અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ આહિરે કર્યું હતું જ્યારે આ કાર્યક્રમના જીલ્લા ઈન્ચાર્જ અને જીલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોરે સમગ્ર રૂપરેખા વર્ણવી આ યોજના અન્વયે આગામી કાર્યક્રમો વિશે પણ વિસ્તૃતમાં માહિતી આપી હતી.
આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષો મશરૂભાઈ રબારી, મૂળજીભાઈ આહિર, મંત્રી કંચનબેન વાઘેલા, ખજાનચી સુરેશભાઈ ટાંક, સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનનું સંચાલન અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહિરે જ્યારે આભારવિધિ આ કાર્યક્રમના અંજાર તાલુકાના સહ ઈન્ચાર્જ અરવિંદ મહેશ્વરીએ કરી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.