બાલિકા પંચાયતનાં સભ્યો સાથે નેતૃત્વ સંવાદ કાર્યક્રમ યોજાયો


રાજયની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર
આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના
પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી
કરવામાં આવે છે. જેમા ૫ ઓગસ્ટ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના ભાગ રુપે મહિલા અને બાળ અધિકારીની
કચેરી તેમજ સેતુ અભિયાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના કોડકી, કુનરિયા ઝિકડી, અંગિયા બાલિકા
પંચાયતના સરપંચ તથા સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
દીકરીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં
મહિલાઓની ભાગીદારી વધે તે હેતુસર ભારતમાં સૌપ્રથમ બાલિકા પંચાયતની સ્થાપના કચ્છ
જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. આમ કચ્છની સફળ
બાલિકા પંચાયતના મોડેલને ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં અમલી મુકવામાં આવેલ
છે.
બાલિકા પંચાયતની કિશોરીઓ સરકારની વિવિધ કાર્યરીતીથી પરિચિત થાય તથા તેના
અમલીકરણ બાબતે પ્રત્યક્ષ સમજ ઉભી થાય તે હેતુસર બાલિકા પંચાયતની દિકરીઓને જિલ્લા
કલેક્ટરશ્રીની કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, અને શી ટીમની મુલાકાત
કરાવવામાં આવી હતી.
કલેકટરશ્રીની કચેરી ખાતેની વિવિધ શાખાઓ જેવી કે, રજીસ્ટ્રી, મહેકમ, મેજિસ્ટ્રેટ,
ચુંટણી, મધ્યાહ્ન ભોજન અને પુરવઠો વગેરે…ખાતે થતી કામગીરી અંગેની સમજ આપવામાં
આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ સાહેબદ્વારા દિકરીઓને
આવકારી તથા વહિવટી તંત્રની કામગીરી અંગે સમજુતી આપી દિકરીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત
થવા પ્રોત્સાહન આપેલ હતુ. મહેકમ શાખાના સિમાબેન સોલંકી દ્વારા સમગ્ર કચેરી સાથે
સંકલનની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે દિકરીઓને વ્હાલી દિકરી યોજના,
ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરુપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના,
સ્વાવલંબન યોજના તથા ધરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫, કામકાજના સ્થળે જાતિય સતામણી
અધિનિયમ ૨૦૧૩, વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સ્પોર્ટ સેન્ટર, ડિસ્ટ્રીક હબ ફોર
વિમેન એમ્પવામેન્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓની સુરક્ષા માટે
કાર્યરત શી ટીમની મુલાકાત કરી તેઓની કામગીરી અંગેની માહિતી એ.એસ.આઇ. શીતલબેન
રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવે તથા સેતુ અભિયાન સંસ્થાના
ધવલભાઈ ચાડ, રાજેશભાઈ દેસાઈ, વનીતાબેન દબાસીયા દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમાં
સફળ બનાવ્યો હતો.