GST દરમાં ઘટાડા લઈને સીજીએસટી દ્વારા આઉટરીચ કાર્યક્રમ યોજાયો


કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં GST દર ઘટાડાના નિર્ણય બાદ તેની જાહેર અને ઔદ્યૌગિક અસરો તેમજ નાગરિકોને સીધા આર્થિક લાભો વિશે જાણકારી આપવાના ઉદેશ્યથી સીજીએસટી વિભાગ, ભુજ, કચ્છ કમિશનરેટ દ્વારા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI), ભુજ શાખાના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગ, વેપાર અને નાગરિકોમાં GST 2.0 અને દર ઘટાડા સંબંધિત નવીનતમ જોગવાઈઓ વિશે જાગૃતિ લાવવાનો હતો.
સીજીએસટી, કચ્છ ગાંધીધામના અધિક કમિશનરશ્રી દેવ પ્રકાશ બામણાવત (IRS) અને આસિસ્ટન્ટ કમિશનર, ભુજ શ્રી અનિલ અગ્રવાલે કાર્યક્રમને સંબોધિત કરીને જીએસટી દર ઘટાડા સંબંધિત નવીન જોગવાઈઓ વિશે જાણકારી આપી હતી. ICAI ભુજ શાખાના ચેરમેન ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી ભાર્ગવ એન. શંકરવાલા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી દીપ કરોડિયાએ ઉપસ્થિત રહીને જીએસટીના નવા દર વિશે માહિતી આપી હતી.
સીજીએસટીના અધિકારીઓએ વિગતવાર પ્રેઝન્ટેશન દ્વારા નવી જોગવાઈઓ અને તેના લાભો વિશે પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત, ઉપસ્થિત પ્રતિનિધિશ્રીઓ સાથે સીધો જ સંવાદ કરીને અધિકારીશ્રીઓએ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું.
જીએસટી દરના ઘટાડાની પહેલ એ નાગરિકોને આર્થિક રાહત આપવા, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને અર્થતંત્રને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમમાં અધિકારીશ્રીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, GST દરોમાં ઘટાડો એ ગ્રાહકોને સીધો ફાયદો કરાવશે, ફુગાવાને નિયંત્રિત કરશે અને ઉદ્યોગો પર સકારાત્મક અસર ઊભી કરશે. આ નિર્ણયથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, સ્પર્ધામાં વધારો અને રોજગારનું નિર્માણ થશે તેમ સીજીએસટી વિભાગ, ગાંધીધામ, કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.