ચોમાસા બાદ કચ્છમાં યુદ્ધના ધોરણે રોડ રસ્તાના રીપેરીંગની કામગીરી શરૂ


ચોમાસા દરમિયાન કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે વિવિધ રોડ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. રોડ રસ્તાઓ ત્વરિત રિપેર થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે એ હેતુથી માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ (રાજ્ય) દ્વારા તાત્કાલિક અસરથી પ્લાન્ટ શરૂ કરી અને રીસર્ફેસીંગની કામગીરી ચાલુ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચ મરામતથી વિવિધ રસ્તાઓને રિપેર કરવામાં આવી રહ્યા છે.
હાલમાં, માર્ગ અને મકાન વિભાગ દ્વારા અબડાસા તાલુકાના કોઠારાથી જખૌ જતા રસ્તા પર રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લામાં ભુજ અંજાર ગાંધીધામ રોડ, મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ, મુન્દ્રા માંડવી ઝરપરા રોડ તેમજ જિલ્લાના અન્ય રાજ્ય ધોરીમાર્ગો પર આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગ(રાજ્યના) કચ્છના કાર્યપાલક ઈજનેરશ્રી કે.પી.નાઈ દ્વારા જણાવાયું છે.