“સરદાર @ 150 યુનિટી માર્ચ” ભુજ વિધાનસભા વિસ્તારની પદયાત્રામાં ભારે જનમેદની ઉમટી પડી

દેશના સપૂત અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં વહીવટી તંત્ર દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ તમામ 6 વિધાનસભાઓ ખાતે આ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભુજ વિધાનસભા મતવિસ્તારની પદયાત્રા આજે એમ એસ વી હાઈસ્કૂલ માધાપર ખાતેથી શરુ થઇ ગાંધી સર્કલ, બાપા સીતારામ મઢુલી, આરટીઓ સર્કલ, જીઇબી થઇ જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે સમાપન પામી હતી.

આ પદયાત્રા દરમિયાન ઠેર ઠેર સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને વિવિધ સંસ્થાઓ, વેપારી મંડળો, બાર એસોસિશન, સામાજીક સંસ્થાઓ અને વિભિન્ન મંડળો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરદાર પટેલ અમર રહો, ભારત માતા કી જય ના નારા લગાવી દેશભક્તિનો અનેરો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

યાત્રાની શરૂઆતમાં માધાપર ખાતે યોજાયેલ સભામાં આગેવાનો દ્વારા ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું સરદાર પટેલે જે દેશ માટે કર્યું છે તે દેશવાસીઓ ક્યારેય ભૂલશે નહી અને સમગ્ર ભારત રાષ્ટ્ર સરદાર પટેલનો અને તેમના દેશ માટે કરેલા કાર્યો માટે સદૈવ ઋણી રહેશે.

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સરદાર પટેલને દેશના પનોતા પુત્ર કહી તેમના આદર્શઓને જીવનમાં ઉતારવા સર્વેને જણાવ્યું હતું અને કહ્યું હતું કે સરદારના લોખંડી મનોબળને આધારે જ આજે ભાર વિકાસની બુલંદીએ પહોંચી શક્યું છે.

આ અવસરે મુખ્ય વક્તા તરીકે ઉદ્બોધન કરતા ભરતસિંહ ભાટેસરીયાએ સરદાર પટેલે દેશ માટે લીધેલા અમૂલ્ય નિર્ણયો અને તેમના દ્રઢ મનોબળને યાદ કરતા જણાવ્યું હતું કે સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડાં અને બ્રિટિશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યુ હતું અને તેમના દ્રઢ મનોબળના લીધે તેમને લોખંડી પુરુષ તરીકેના બિરુદથી સન્માનવામાં આવ્યા હતા.

પદયાત્રા બાદ જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત જનમેદની પાસે આત્મનિર્ભર ભારતના સંકલ્પ ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ ઝાલા દ્વારા લેવડાવવામાં આવ્યા હતા તેમજ આભારવિધિ ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મિતભાઈ ઠકકર દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ એન્જિનિરીંગ કોલેજ ખાતે અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરીને સરદાર પટેલને અંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ઉક્ત યુનિટી માર્ચ પદયાત્રામાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ કલેકટર આનંદ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષો ડો. મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, શીતલભાઈ શાહ, પચાણભાઈ સંજોટ, મંત્રીશ્રીઓ વિજુબેન રબારી, પ્રફુલસિંહ જાડેજા, ભુજ તાલુકા ભાજપ અધ્યક્ષ ભીમજીભાઈ જોધાણી, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ વિધાનસભાના યાત્રા ઈન્ચાર્જ તરીકે બાલકૃષ્ણભાઈ મોતા જ્યારે યાત્રાના સહ ઈન્ચાર્જ તરીકે રમેશભાઈ ગઢવી, ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, મોરચાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, કાર્યકર્તાઓ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી તારીખ 19/11 ના ગાંધીધામ વિધાનસભા, 20/11 ના અંજાર અને માંડવી વિધાનસભામાં તેમજ 22/11 ના રાપર વિધાનસભામાં આ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.