મુંદરા પોર્ટમાં લિક્વીડ ટર્મિનલ પર ડીઝલ લીક થયા બાદ આગ ભભૂકી ઊઠી

કચ્છના મુંદરા પોર્ટ ખાતે આજરોજ સવારે ૯.૦૦ કલાકે લીકવીડ ટર્મિનલ પર ડીઝલ લીકેઝના કારણે આગ ભભૂકી ઉઠતા આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

        સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બૂઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ન આવતા અંતે વહીવટીતંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુઘટર્ના અંગે જાણ થતાં જ અધિકારીશ્રીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. મુંદરા પોર્ટ તથા આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ‌ એક મોકડ્રિલ હતી જેને ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

સવારે ૯.૦૦ કલાકે આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવની કામગીરી આરંભી હતી. વોર્ડન સેવામાં હોમગાર્ડ, એનસીસી, એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રીસ્પોન્ડર ટીમો, ફર્સ્ટ એઇડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્કયૂ પાર્ટી એ ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળથી ૧૫ કામદારોને ઇવેક્યૂએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે વધુ જખ્મી કામદારોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવા ઓન સાઇટ હોસ્પિટલ થોડા જ કલાકના સમયગાળામાં ઉભી કરવામાં આવી હતી. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બૂઝાવવાની કામગીરી કરતા ૧૧.૫૦ કલાકે સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઇ હતી. 

        આ ઓફસાઈટ મોકડ્રિલનો હેતુ સંભવિત અકસ્માતની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, ઝડપી મદદ અને રાહત- બચાવના પગલાંઓ ભરી કઇ રીતે જાનહાનિને ટાળી શકાય તથા તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવાનો હતો. મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજ્યાબેન પ્રજાપતિ તથા પ્રાંત અધિકારીશ્રી ભગીરથસિંહ જાડેજાએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા.

આ મોકડ્રિલમાં ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના આસિસ્ટન્ટ ડાયરેક્ટરશ્રી ડી.બી.મોદી, જીપીસીબી, આરટીઓ, હેલ્થ અધિકારીશ્રી તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા પોર્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.