ધોરડો સફેદ રણ, રોડ ટુ હેવન સહિતના વિસ્તારને “નો સ્પિટિગ” ઝોન જાહેર કરાયો

કચ્છ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. રણોત્સવનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી ૫સાર થતો રસ્તો કે જે ”રોડ ટુ હેવન” (NH-754k નો ભાગ) ના નામે ૫ણ ઓળખાય છે તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તાર ૫ર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ છે. પ્રવાસીઓ કે સ્થાનિક લોકો દ્વારા પાન-મસાલા ખાઈને સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન સફેદ રણમાં થૂંકવામાં ન આવે તે માટે પ્રતિબંધ મૂકી આ જાહેર સ્થળોના સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય ૫રિસ્થિતિ જાળવવા તેને ” No Spitting Zone” જાહેર કરવો ખૂબ જ જરૂરી જણાય છે.

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ ૫ટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલા ધોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો ૨(બે)-૨(બે) કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને ”રોડ ટુ હેવન” (NH-754kનો કાઢવાંઢ તા.ભુજથી ધોળાવીરા ગામ એન્ટ્રી પોઈન્ટ સુધીનો રસ્તો અને તેની બંને બાજુના સફેદ રણમાં) વિસ્તારમાં તમાકુ, ગુટખા, પાન-મસાલા જેવા હાનિકારક ૫દાર્થોનું સેવન કરીને જાહેરમાં થૂંકવા ૫ર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.  

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૧૭/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.