અદાણી પબ્લીક સ્કૂલ- મુંદ્રા ખાતે સુધા મૂર્તિએ વિદ્યાર્થીઓને શીખવ્યા સફળતાના સૂત્રો

અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રા ખાતે ખ્યાતનામ લેખિકા, અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ ખાસ મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધનમાં તેમણે જીવન ઘડતર માટેની અમૂલ્ય સલાહ આપી હતી. વિદ્યાર્થીઓના બેગપાઇપર બેન્ડ, NCC નેવી
અને આર્મી કેડેટ્સ દ્વારા મૂર્તિનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે APSEZ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ
અને અમી શાહ (ડિરેક્ટર, APSM), સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સાહિત્ય, સમાજીક ઉત્થાન અને શિક્ષણક્ષેત્રે આગવી છાપ ધરાવતા સુધા મૂર્તિએ શાળા કેમ્પસમાં પુસ્તકોના ભવ્ય પ્રદર્શનને નિહાળ્યો
હતો, જેમાં તેમના પ્રખ્યાત શીર્ષકોને સમર્પિત એક ખાસ સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું. તેમના ૫૦મા પુસ્તક, ધ મેજિક ઓફ ધ લોસ્ટ
ઇયરિંગ્સની નકલો પર હસ્તાક્ષર કરી તે શાળાને ભેટ આપ્યા હતા. આ મુલાકાતમાં તેમણે નાના-નાના ભૂલકાઓને મળવાનો આનંદ
વ્યક્ત કર્યો હતો.
પ્રાસંગિક ઉદબોધનમાં સુધા મૂર્તિએ વ્યક્તિગત વાર્તાઓ અને વાર્તાઓ દ્વારા જીવનનો સાર શેર કરતા વિદ્યાર્થીઓને અમૂલ્ય
માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને માતાપિતા અને શિક્ષકોને આદર આપવાની સાથે તેમની સલાહનું પાલન કરવાની સલાહ
આપી. શિક્ષણ ફક્ત પરીક્ષામાં ગુણાંક માટે જ નહીં પરંતુ જ્ઞાનવર્ધન અને કુશળતા માટે પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કરવાનો તેમણે આગ્રહ
કર્યો હતો.
મૂર્તિની આ મુલાકાતે APS મુન્દ્રાના વિદ્યાર્થીઓ પર ઊંડી છાપ છોડી, તેમણે બાળકોને શિક્ષણવિદોનું મૂલ્ય સમજવા તેમજ કૃતજ્ઞતા
અને દૃઢ નિશ્ચય સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. આધુનિક સમયમાં ટીનએજર્સને જ્યારે
સ્માર્ટફોનના રવાડે ચઢી જતા હોય છે ત્યારે મૂર્તિએ તેમને ફોનનો ઉપયોગ મર્યાદિત કરવા અને સર્જનાત્મક વિચારો પોષવા શ્રેષ્ઠ
પુસ્તક વાંચનને પ્રાથમિકતા આપવાનો ખાસ અનુરોધ કર્યો હતો.
મૂર્તિએ વિદ્યાર્થીઓની જીજ્ઞાસાઓ સંતોષવા પ્રશ્નોત્તરી રાઉનન્ડમાં નિખાલસતાથી જવાબ આપ્યો હતો. બાળકોને નિડરતા,
ધીરજથી પડકારોનો સામનો કરવાની તેમણે સલાહ આપી. તેમના પ્રેરક ઉદબોધનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો. મૂર્તિએ
મ્યુઝિક રૂમ અને ATL લેબની મુલાકાત પણ લીધી હતી. APS માટે આ મુલાકાત પ્રેરણાદાયી અને યાદગાર બની ગઈ તો મૂર્તિએ પણ
પ્રસન્નતા સાથે સૌનો આભાર માન્યો હતો.

ઉપરાંત કચ્છ જિલ્લામાં આવેલા અદાણી ગ્રૂપના બે મહાસંનિષ્ઠ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી – એક તો
વિશ્વનું સૌથી મોટું ખાનગી બંદર ‘અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ, મુંદ્રા’ અને બીજું વિશ્વનો સૌથી વિશાળ
રિન્યૂએબલ એનર્જી પાર્ક ‘ખાવડા’.
 
પહેલી મુલાકાત મુંદ્રા પોર્ટની હતી, જે આજે ભારતનું સૌથી મોટું વેપારી બંદર છે અને વૈશ્વિક સ્તરે ટોચના દસ
બંદરોમાં સ્થાન ધરાવે છે. અદ્યતન ઓટોમેટેડ કન્ટેનર ટર્મિનલ, ડીપ ડ્રાફ્ટ બર્થ, રેલ્વે કનેક્ટિવિટી અને
ડિજિટલાઈઝ્ડ લોજિસ્ટિક્સ સિસ્ટમ જોઈને સુધા મૂર્તિ અભિભૂત થઈ ગયાં. તેમણે જણાવ્યું હતું કે,
 
“આ બંદર જોઈને ખરેખર ગર્વ થાય છે. ભારત પાસે આજે વિશ્વના સૌથી અદ્યતન અને ક્ષમતાવાન પોર્ટ્સમાંનું એક
પોર્ટ છે. અહીં જે વિશાળ સ્તરે કામગીરી થાય છે, જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે અને જે ઝડપે કાર્ગો હેન્ડલ થાય
છે – એ જોઈને દરેક ભારતીયનું માથું ઊંચું થાય. આ બંદર ભારતની આર્થિક તાકાતનું જીવંત પ્રતીક છે.”
 
બીજી મુલાકાત ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્કની હતી, જે 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે – એટલે કે
પેરિસ શહેર કરતાં પણ પાંચ ગણો મોટો વિસ્તાર! આ પાર્કની અંતિમ ક્ષમતા ૩૦ ગીગાવૉટ (૩૦,૦૦૦ મેગાવૉટ)
રહેશે, જેનાથી દર વર્ષે ૫૦ મિલિયનથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી મળી શકશે અને ૫૮ મિલિયન ટન કાર્બન
ઉત્સર્જન ઘટશે. હાલમાં જ ૨ ગીગાવૉટ ક્ષમતા ગ્રીડ સાથે જોડાઈ ચૂકી છે અને ૨૦30 સુધીમાં આખું પાર્ક પૂર્ણ
કાર્યરત થઈ જશે.
 
આ અદ્ભુત દૃશ્ય જોઈને સુધા મૂર્તિએ અદાણી ગ્રીન એનર્જીની ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપતાં કહ્યું,
 
“આ પાર્ક જોઈને મને લાગે છે કે ભારતનું ભવિષ્ય અહીંયા ચમકી રહ્યું છે. રણની આ રેતી પર જે સ્વચ્છ ઊર્જાનો
મહાસાગર ઊભો થઈ રહ્યો છે, એ ભારતના ટકાઉ વિકાસની સાથે સાથે વિશ્વ માટે પણ એક મહત્વપૂર્ણ યોગદાન છે.
આવા વિઝન અને એનું આટલા મોટા સ્કેલ પર અમલીકરણ – એ ખરેખર પ્રેરણાદાયી છે.”
 
આ બંને મુલાકાતોએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે ગુજરાતનું કચ્છ આજે માત્ર ભારતનું નહીં, પરંતુ વિશ્વનું એક
મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી હબ બની રહ્યું છે. અને સુધા મૂર્તિ જેવી વ્યક્તિઓ પાસેથી મળેલા આ
પ્રશંસા-શબ્દો દરેક ભારતીય માટે ગર્વની વાત છે.