કચ્છ મહિલા કોંગ્રેસએ દારૂબંધી અને ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરવા જંગ છેડ્યો…

કચ્છ જિલ્લા કોંગ્રેસ ભવન ભુજ ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છમાં દારૂબંધી, ડ્રગ્સના વધતા પ્રસાર અને મહિલાઓ પર થતા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની પ્રમુખ રાધાસિંધ ચૌધરીએ જણાવ્યુ કે કચ્છમાં દારૂનો વ્યવસાય સતત વધી રહ્યો છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યા છે અને ઘરોમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતમાં કાયદેસર દારૂબંધી હોવા છતાં કચ્છમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો ગંભીર મુદ્દો ઉઠાયો હતો. રાધાસિંધ ચૌધરીએ કડક શબ્દોમાં ભાજપ અને ખાસ કરીને પોલીસ પ્રશાસન પર પ્રહાર કરતા જણાવ્યું કે હવે મહિલા કોંગ્રેસ આ મુદ્દે સીધી લડત લડશે અને કચ્છમાં દારૂ સંપૂર્ણ બંધ થવો જ જોઈએ, એવી કામગીરી આગળ ધપાવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે સમાજની મહિલાઓ તથા વિવિધ સામાજિક સંગઠનો સાથે મહિલા કોંગ્રેસ સમિતિ સૌનો સહકાર સાથે વિશાળ અભિયાન શરૂ કર્યું છે. પત્રકાર પરિષદ દરમ્યાન મહિલા કોંગ્રેસ સમિતિએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે ટૂંક સમયમાં ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. આ નંબર પર લોકો પોતાના વિસ્તારના દારૂ વેચાતા અડ્ડાઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે માહિતી તેમજ વિડિયાઓ ફોટાઓ અહીં આપી શકશે. પ્રાપ્ત થતી જાણકારીના આધારે મહિલા કોંગ્રેસની વિશેષ ટીમ સ્થાનિક સ્તરે સીધી જનતા રેડ કરશે, જેથી ગેરકાયદેસર ચાલતા દારૂ ડ્રગ્સના ધંધાઓ સામે તરત જ દબાણ ઊભું કરી શકાય. છેલ્લે સમિતિએ સરકાર અને પોલીસ તંત્રને પણ દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ સખત પગલાં લેવા આહ્વાન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કચ્છને દારૂ અને નશાની અસરથી મુક્ત કરવા માટે આ અભિયાન હવે સતત ચાલુ રહેશે…