પ્રાકૃતિક ખેતીમાં જીવાત નિયંત્રણ અને મિત્રકીટકની સંખ્યા વધારવા ખેડૂતો નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી શકે છે

પ્રાકૃતિક ખેતી એ એક એવી ખેતી પદ્ધતિ છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ખેડૂતોને ટકાઉ રીતે પાક ઉગાડવા અને પશુપાલન કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને પ્રકૃતિના સંતુલનને જાળવીને પાક ઉગાડવામાં આવે છે. રસાયણોના બદલે કુદરતી સ્રોતોનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકને રોગો અને જીવાતોથી બચાવવા માટે કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીને ‘જીવંત ખેતી’, ‘સજીવ ખેતી’, ‘ટકાઉ ખેતી’, ‘ઝીરો બજેટ ખેતી’ અથવા ‘પર્યાવરણને અનુકૂળ ખેતી’ નામથી પણ ઓળખવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતીના પાંચેય સિધ્ધાંતોનું સંપુર્ણ પાલન કરવામાં આવે તો ખેતીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ થતો નથી. જો થાય તો તેને સંપુર્ણ પણે કુદરતી તત્વોમાંથી બનેલા જંતુનાશક અસ્ત્રોનો છંટકાવ કરીને અટકાવી શકાય છે.  કુદરતે જીવસૃષ્ટિમાં નુકશાનકારક જીવો કરતા ઉપયોગી જીવો વધારે બનાવ્યા છે. પ્રાકૃતિક પધ્ધતિની ખેતીમાં ઉપયોગી માંસાહારી જીવો / કીટકનું રક્ષણ થતાં નુકશાનકારક કીટકોનું કુદરતી રીતે નિયંત્રણ થાય છે. ખેતરમાં ૬ X ૬, ૮X ૮ કે ૧૦ X ૧૦ ફૂટના અંતરે સરગવો, મકાઈ, ગલગોટા, સૂર્યમુખી, બાજરો, તુવેર વિગેરે પાક વાવવામાં આવે તો મિત્રકીટકોની સંખ્યા વધે છે તથા પક્ષીઓનો વિસામો બનતા તેઓ જીવાતો-ઇયળોને ખાઈને તેનું નિયંત્રણ કરે છે.

          તેમ છતાં સામાન્ય રીતે પ્રથમ વર્ષ રાસાયણિક ખેતીની વિપરીત અસરો તેમજ ખેડૂત પોતે અથવા તો મજુર/ભાગિયા દ્વારા ખેતી કાર્ય કરાવતા હોવાથી કંઈ ને કંઈ ભુલ થવાને લીધે જીવાત અને રોગ આવવાની સંભાવના રહેલી છે જેના નિયંત્રણ માટે ઝેરી કડવી-તીખી વનસ્પતિઓનો અર્ક દ્વારા નીચે મુજબના જંતુનાશક અસ્ત્રોનો સમયાંતરે છંટકાવ કરવો જોઈએ.

નુકશાનકારક જીવાત નિયંત્રણ અને મિત્રકીટકની સંખ્યા વધારવા આટલું કરવું

નિમાસ્ત્ર

       ૨૦૦ લીટર પાણી + ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિગ્રા દેશી ગાયનું તાજુ ગોબર + ૧૦ કિગ્રા કડવા લીમડાના નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાંયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે થડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યાર બાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો.

સંગ્રહણ ક્ષમતા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય

છંટકાવ : પ્રતિ એકર ૨૦૦ લીટર ફકત નિમાસ્ત્ર, પાણી ભેળવાનું નથી, પાણી ભેળવ્યા વગર સીધો છંટકાવ કરવો

અગ્નિઅસ્ત્ર

    ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ૫૦૦ ગ્રામ તીખા મરચાની ચટણી + ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી + ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી, આ મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર – સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો

સંગ્રહણ ક્ષમતા : ૩ મહિના સુધી ઉપયોગમાં લઈશકાય.

છંટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર અગ્નિઅસ્ત્ર.

બ્રહ્માસ્ત્ર

૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ૨ કિગ્રા કરંજના પાનની ચટણી + ૨ કિગ્રા સીતાફળના પાનની ચટણી + ૨ કિગ્રા એરંડાના પાનની ચટણી + ૨ કિગ્રા ધતુરાના પાનની ચટણી + ૨ કિગ્રા બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈ પણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.

સંગ્રહણ ક્ષમતા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.

છંટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર બ્રહ્માસ્ત્ર.

દશપર્ણી અર્ક (બધાજ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ)

બનાવવાની રીત: પ્રથમ દિવસ : ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર તેમજ ૨ કિ.ગ્રા. દેશી ગાયના તાજા ગોબરને ૨૦૦ લી. પાણીમાં નાખી લાકડીથી હલાવીને બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવું, ત્યારબાદ આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હીંગનો પાવડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું.

બીજો દિવસ: ઉપરોકત મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચાની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિગ્રા તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો.

ત્રીજો દિવસ : અ : ૧) કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, ૨) કરંજ, ૩) સિતાફળ, ૪) ધતુરો, ૫) એરંડા અને ૬) બિલિપત્ર-

              બ: ૧) નગોડ, ૨) તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ૩) ગલગોટના પંચાંગ, ૪) કારેલા, ૫) બાવળના પૈડીયા, ૬) આંકડો, ૭) આંબા, ૮) જાસુદ, ૯) જામફળ, ૧૦) પપૈયા, ૧૧) હળદર, ૧૨) આદુ, ૧૩) કરેણ, ૧૪) દેશી રામ બાવળ, ૧૫) બોરડી, ૧૬) કુવાડીયો, ૧૭) સરગવો, ૧૮) અર્જુન સાદડ, ૧૯) ઘા બાજરીયુ (હાડવેલ) અને ૨૦) ગળોની વેલના પાંદડા

            આમ, ઉપરોકત  માંથી કોઈ પણ પાંચ અનેમાંથી કોઈ પણ પાંચ એમ કુલ દશ વનસ્પતિના પાંદડા દરેક વનસ્પતિના ર કિગ્રા એટલે કે ૨૦ કિગ્રા પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ ૫-૫ મીનીટ દિવસમાં બરોબર બે વાર સવાર-સાંજ બરોબર હલાવો.

  ઉપયોગ : ૧૦૦ થી ૨૦૦ લી. પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને એક એકરમાં છંટકાવ કરવો, આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે.

ખાટી છાશ

સાત થી દશ દિવસની ૧૦ લીટર ખાટી છાસને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો, ખાટી છાસ એ ફુગનાશક, વિષાણુ નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરનાર છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો. ખેડૂત તાલીમ કેન્દ્ર, પ્રોજેકટ ડાયરેકટર, આત્મા, કચ્છ, ફોન નં. ૦૨૮૩૨ ૨૨૦૦૦૪ અથવા

પ્રાકૃતિક કૃષિના ફાર્મર માસ્ટર ટ્રેનર, ગ્રામ સેવક, આત્માના સ્ટાફ અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ નો સંપર્ક કરવો.