અમદાવાદ: ગ્રામ્ય એલસીબીની ટીમે બગોદરા તારાપુર હાઇવે પાસેથી સૌરાષ્ટ્રમાં લઇ જવાતા 13.66 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમની અટક કરી છે. મેંદાના લોટની નીચે આ દારૂનો જથ્થો છૂપાવીને લઇ જવાતો હતો. જ્યારે એક આઇસર ગાડી આ દારૂ ભરેલી ટ્રકનું પાયલોટિંગ કરતી હતી. સૌરાષ્ટ્રમાં અવનવી પદ્ધતિથી બુટલેકરો દારૂ ઘુસાડતા હોય છે, જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ સક્રિય બની સૌરાષ્ટ્રમાં પહોંચાડાતા દારૂના જથ્થા પકડવા તપાસ હાથ ધરી હતી. ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે મેંદાના લોટ ભરીને જતી ટ્રકને રોકી અંદર તપાસ કરતા લોટની થેલીની નીચે 95 જેટલી દારૂની પેટીઓ કિંમત 13.66 લાખ મળી આવી હતી. ટ્રકની આગળ પાયલોટિંગ કરતી આઇસર ગાડી પણ પોલીસે પકડી એક ઈસમની અટક કરી હતી. પોલીસે પંજાબના ગુરુપ્રિતસિંગ શીખ, નથ્થુરામ કુંમહાર અને હરિયાણાના મોનુ જાટની અટક કરી હતી. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સૌરાષ્ટ્રમાં લઇ જવાતો દારૂનો મોટો જથ્થો પકડ્યો છે.