પ્રાકૃતિક કૃષિને વેગ આપવા રાજ્ય સરકારની પહેલ જીવામૃત–ઘન જીવામૃત બનાવવા અને વિતરણ માટે સહાય
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તેમજ ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા “પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત–ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય” નામની આ યોજનાને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજના અંગેની વિગતો રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પોર્ટલ ‘મારી યોજના પોર્ટલ‘ પર ઉપલ્બધ છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત તથા પાક સંરક્ષણ દ્રવ્યોનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેશી ગાય આધારિત આ ઇનપુટ્સ દરેક ખેડૂત સુધી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, FPO, સખી મંડળો તથા ખેડૂત ગ્રુપોને પ્રોત્સાહન આપવાનું આ યોજનાનો મુખ્ય હેતુ છે. યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ રૂ. ૪૨૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધાના નિર્માણ માટે યોજના અન્વયેની જરુરી વિગતો મુજબ, સખી મંડળો અથવા ખેડૂત ગ્રુપને ૫૦ ટકા સુધીની સહાય રૂ. ૬૦,૦૦૦ની મર્યાદામાં મળવાપાત્ર થશે.
જેમાં જીવામૃત બનાવવા માટે HDPE ટાંકી ૫,૦૦૦ લિટરની ક્ષમતાની બનાવવાની રહેશે. ઘન જીવામૃત બનાવવા માટે પાકું મજબૂત ૨૦૦ ચોરસ ફુટનું ભોંયતળિયું બનાવવાનું રહેશે. ઉપરાંત પ્લાસ્ટિકના ૨૦ લીટરના ૨૦ કેરબા, ૫ નંગ ડોલ ટોકર અને ૧ નંગ સ્ટરર વગેરે માળખાકીય સુવિધાઓને સાંકળી લેવાની રહેશે.
ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ કે એફપીઓએ પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત- ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે ૧૦,૦૦૦ લિટરની ક્ષમતા વાળી ટાંકી, ૪૦૦ ચોરસ ફૂટનું પાંકુ ભોંયતળિયું વગેરે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું. આ માટે ૫૦ ટકા અથવા રુ. ૧.૨૦ લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
યોજનાનો અમલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે અને સહાય DBT પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ અંગેની વધુ વિગતો મારી યોજના પોર્ટલની લિંક પરથી https://mariyojana.gujarat.gov.in/MoreDetails.aspx મળી શકશે. જ્યારે યોજના અંગેનો જી.આર. પણ મારી યોજના પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.
રાજ્ય સરકારની આ પહેલથી પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને ગુણવત્તાયુક્ત જીવામૃત અને ઘન જીવામૃત સરળતાથી ઉપલબ્ધ થશે, ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ ખેતી પદ્ધતિને વધુ વેગ મળશે.