ગ્રીન કાર્ડની રાહ જોતાં હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો

copy image

: અમેરિકામાં સ્થાયી થવાનું અને ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન સરકારે ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેના કારણે હવે ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. મળતી માહિતી અનુસાર યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ દ્વારા શુક્રવારે આ નવા અને કડક નિયમ બહાર પાડવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ , હવે ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા વિદેશી નાગરિકોએ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમેરિકાની બહાર રહેવું પડશે. અત્યાર સુધી એવું હતું કે લોકો અસ્થાઈ વિઝા પર અમેરિકામાં રહેતા હોય અને ત્યાં જ રોકાઈને ગ્રીન કાર્ડ મળે ત્યાં સુધી પ્રક્રિયા પૂરી કરતા હતા. પરંતુ, હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. અરજદારોએ ફરજિયાતપણે અમેરિકા છોડીને પોતાના વતન પરત ફરવું પડશે અને ત્યાંથી જ ઇમિગ્રન્ટ વિઝા માટે એપ્લાય કરવું પડશે . USCISના પ્રવક્તા જેક કાહલરે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જે વિદેશી નાગરિકો અસ્થાઈ વિઝા પર અમેરિકામાં છે અને ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે, તેમણે પોતાના દેશ પાછા જવું જ પડશે, સિવાય કે કોઈ ખૂબ જ અસાધારણ પરિસ્થિતિ હોય. ભારતીયો માટે આ આંચકો શા માટે મોટો છે? :આ નવો નિયમ ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ ચિંતાજનક છે કારણ કે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવનારાઓમાં ભારતીયોની સંખ્યા ખૂબ મોટી છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024માં, 49,700 ભારતીય મૂળના લોકો ગ્રીન કાર્ડ પ્રક્રિયા દ્વારા અમેરિકાના નાગરિક બન્યા હતા. અમેરિકન નાગરિકતા (નેચુરલાઈઝેશન) મેળવનારા વિદેશીઓમાં મેક્સિકો પછી ભારતીયો બીજા ક્રમે સૌથી મોટો સમૂહ ધરાવે છે અને કુલ નાગરિકતા મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો 6.1 ટકા જેટલો મોટો હતો. હવે આ નવા નિયમથી હજારો ભારતીયોના ભવિષ્ય પર સીધી અસર પડશે.