કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આજરોજ ભુજ ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કચ્છ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ રાપર તાલુકાના આડેસર ગામની સિંચાઇ માટેની માઇનોર કેનાલમાં પાણી શરૂ કરવા, શિકારપુર સબસ્ટેશન હેઠળ વિસ્તારમાં લો-વોલ્ટેજ સમસ્યા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અબડાસા ધારાસભ્યશ્રીએ વીજપુરવઠો, ખનીજ ઉત્ખન્ન, રેશનકાર્ડ, મકાન સહાય, નખત્રાણા તાલુકામાં દબાણ, જમીન માપણીના પ્રશ્નો, જરૂરીયાતના વિસ્તારમાં સબ ડિવિઝન આપવા, વોટરશેડ, અબડાસા તાલુકાની કંપનીઓમાં રોજગારીનો પ્રશ્ન , કેનાલ રિપેરીંગ, નેશનલ હાઈવ-સ્ટેટ હાઈવે અને જીએસઆરડી દ્વારા રોડ રસ્તાનું સમારકામ, દયાપર સરકારી કોલેજનો પ્રશ્ન, નખત્રાણામાં ટાઉનહોલ માટે જમીન ફાળવણી, જાબરી અને તલ-લૈયારી તથા છારી-ફુલાય ડેમનું કાર્ય, જુના હક્કપત્રો, નખત્રાણા બાયપાસ, કાયદો અને વ્યવસ્થા, આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને દંડની વસૂલાત, એસટી બસ, ગૌચર જમીન, ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળોની જાળવણી, નર્મદાની લાઇનમાં ભંગાણ કરી કરાતી પાણીચોરી, માતાના મઢ ખાતે પાર્કિંગની જગ્યામાં ભરાતા પાણી, પેયજળ શુદ્ધતા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પુરૂષોત્તમભાઈ મારવાડાએ અબડાસા તાલુકાના મિયાણી ગામની પાણી સમસ્યા, બિટ્ટાથી કોટડા જડોદર રોડનું કામ પૂર્ણ કરવા, સુજાઇ ડેમનું પેચીંગ કામ, કોઠારા અને રાતા તળાવ પાસે ડાયવર્જન સુધારવા, કાપડીસર ડેમના દરવાજાનું સમારકામ તથા હાલાપરમાં સિંચાઇ કેનાલની મરંમત કરવા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.
કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે પ્રજાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને તાત્કાલિક અસરથી પ્રશ્નોનું નિવારણ લાવવા સૂચના આપીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કલેક્ટરશ્રીએ દબાણ, પાણીચોરી સહિતના પ્રશ્નો મુદે અધિકારીશ્રીઓને નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે ઉદેશ્ય સાથે ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં મુંદરા એએસપીશ્રી ગૌતમ વિવેકાંનદન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.