“કિસાન સૂર્યોદય યોજના” ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ

પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયની જન્મ જયંતિને રાજ્ય સરકાર દ્વારા “સુશાસન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે આરંભેલી વિકાસયાત્રા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં “અટલ નેતૃત્વ થકી અવિરત વિકાસ” કરી રહી  છે. આ વણથંભી વિકાસયાત્રામાં ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના સુદૃઢ સુશાસન હેઠળ ખેડૂતલક્ષી અનેકવિધ યોજના શરૂ કરાઈ છે. આવી જ ખેડૂતોના વિકાસને વેગ આપતી “કિસાન સૂર્યોદય યોજના” ખેડૂતોના હિતમાં અમલી કરાયેલી યોજના છે. “કિસાન સૂર્યોદય યોજના” કચ્છના ખેડૂત શ્રી હરીભાઈ આહિર અને તેમના જેવા લાખો ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે. આ યોજનાએ ખેતી માટે જરૂરી વીજ પુરવઠાની વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો સ્થાયી અને અસરકારક ઉકેલ આપ્યો છે.

કચ્છના ભુજ તાલુકાના નોખણીયા ગામના ખેડૂત શ્રી હરીભાઈ ગોપાલભાઈ આહિર ૨૦ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. અનિયમિત સમયે વીજળી મળવાથી ખેડૂતોને રાત્રિના સમયે પાણી વાળવા જવું પડતું હતું. દિવસે કૃષિ કનેક્શનોમાં અવિરત વીજળી ન મળવાના કારણે રાત્રિના ખેતરમાં ઉજાગરા કરીને ખેડૂતોને પરિશ્રમ કરવો પડતો હતો. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી “કિસાન સૂર્યોદય યોજના” થકી દિવસે વીજળી મળવાથી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. જેથી મારા જેવા અનેક ખેડૂતો સમયસર પાકની માવજત કરીને સારુ ઉત્પાદન લઈ રહ્યા છે અને વિકાસ સાધી રહ્યા છે તેવું ખેડૂત શ્રી હરીભાઈ આહિર એ ઉમેર્યું હતું. 

રાજ્ય સરકારની આ યોજના પ્રત્યે ખુશની લાગણી વ્યક્ત કરતાં ખેડૂત શ્રી હરીભાઈ આહિર એ જણાવ્યું હતું કે, અગાઉ મોટાભાગના ખેડૂતોને અનિયમિત સમયે ખેતી માટે વીજ પુરવઠો મળતો હતો. જેના લીધે રાત્રિના સમયે સિંચાઈ કરવામાં રાત ઉજાગરા કરવા પડતા હતાં. અંતરિયાળ વિસ્તારોમાં જમીન હોવાથી જંગલી પ્રાણીઓનો પણ ડર રહેતો, ઉનાળામાં જીવજંતુઓના ભયના લીધે પરિવાર પણ ચિંતિત રહેતો હતો. “કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન નિશ્ચિત, સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળતાં જ આ તમામ સમસ્યાઓનું નિરાકરણ થયું છે. રાજ્ય સરકારશ્રીની આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે તેવું ઉમેરી ખેડૂત શ્રી હરીભાઈ આહિર એ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૂર્યપ્રકાશના કલાકોનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ખેડૂતોને વીજળી આપવામાં આવે છે……

ઉલ્લેખનીય છે કે, કિસાન સૂર્યોદય યોજના વર્ષ ૨૦૨૦માં અમલી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ખેડૂતોને સવારના ૫.૦૦ વાગ્યાથી રાતના ૯.૦૦ વાગ્યા સુધીમાં બે સ્લોટમાં (સવારે ૫.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધીનો સ્લોટ અને બપોરે ૧.૦૦ થી રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો સ્લોટ) વીજળી પૂરી પાડવાનો હતો. જોકે, યોજના અમલી બનાવ્યા પછી કૃષિ ક્ષેત્ર માટે વીજ પુરવઠાના સમયપત્રકને સૂર્યપ્રકાશના કલાકોના હિસાબથી વધુ કાર્યક્ષમ બનાવવું જરૂરી જણાયું, જેનાથી સિંગલ શિફ્ટનો કોન્સેપ્ટ પ્રકાશમાં આવ્યો. આ કોન્સેપ્ટ હેઠળ, ખેડૂતોને સૂર્યપ્રકાશના કલાકો દરમિયાન, ખાસ કરીને સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી કૃષિ માટે વીજળી પૂરી પાડવામાં આવે છે. સૌર ઊર્જાને આ રીતે સંકલિત કરવાથી, વધુ માંગના સમયગાળા દરમિયાન ગ્રીડ પરનો ભાર ઓછો થાય છે, જેનાથી કૃષિ માટે વધુ ટકાઉ અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થાય છે.

 હાલ આ યોજના હેઠળ રાજ્યના ૧૭૦૧૮ ગામડાઓને (૯૮.૬૬%) દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, આ યોજના હેઠળ ગુજરાતના ૧૯.૬૯ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. તેમજ રાજ્યના ૯૮% સબસ્ટેશનોને  ડે-ટાઇમ એટલે કે દિવસના સમયમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બાકીના ૨૩૧ ગામોને આ યોજના હેઠળ આવરી લેવા માટે બાકીના ૪૫ રોટેશનલ સબસ્ટેશનોના શિફ્ટિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે.

–          જિજ્ઞા પાણખાણીયા