પ્રાકૃતિક ખેતીમાં માટી ઉપર આવરણ જ ખાતર સમાન

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ એ જમીનનાં સત્વનું રક્ષણ કરતી ખેતી પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ કુદરતી ચક્રો તેમજ જીવામૃત, વાપ્સા વ્યવસ્થાપન, આચ્છાદન અને સહજીવી પાક પદ્ધતિ વગેરેના સુમેળભર્યા ઉપયોગથી રાસાયણિક ખાતરો કે જંતુનાશકો વગર સફળ પાક લેવામાં આવે છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજીના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વર્ણવાયેલી પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અનુસાર પ્રાકૃતિક ખેતીમાં મલ્ચિંગની મહત્વની ભૂમિકા વિષે આ લેખમાં જાણીએ.

       પ્રાકૃતિક ખેતીમાં મલ્ચિંગ એ સૌથી મોટું ખાતર છે. જમીન પર ઘાસ, પરાળ પાથરી કે અન્ય રીતે આવરણ કરવાથી પાણી ઓછું ઊડે, નીંદામણ ન ઊગે, જમીન ગરમ-ઠંડી ન પડે અને અળસિયાં વગેરે જીવો સક્રિય રહે છે. મલ્ચ ધીમે-ધીમે સડીને હ્યુમસ બનાવે છે, જેથી જમીનની ફળદ્રુપતા વધે છે. ખેડૂતને પાણી, નીંદામણની મહેનત ઘટે અને ખાતર-દવાનો ખર્ચ બચે છે. તેનાથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે. મલ્ચ વગરની જમીન ફળદ્રુપતા ગુમાવે છે, મલ્ચવાળી જમીન જીવંત અને સમૃદ્ધ રહે છે. ખૂબ જ સરળ ભાષામાં કહીએ તો પાક ઉગ્યા બાદ ખુલ્લી રહેલી જમીનને કપડું ઓઢાડી દેવું! કપડું ઓઢીને તડકા કે ઠંડીથી રક્ષણ મળે તેમ આ આવરણ જમીનને ગરમી, ઠંડી, પવન અને વરસાદના ધોવાણથી બચાવવામાં મદદરૂપ થાય છે.  આ આવરણ ચઢાવી દેવું એ જ મલ્ચિંગ.

      પ્રાકૃતિક ખેતીમાં મલ્ચિંગના અનેક ફાયદા છે.  તે જમીનને સીધા તડકા-પવનથી બચાવી ભેજ જાળવે છે અને પાણીનો સંગ્રહ કરે છે, તેનાથી પાણીની બચત થાય છે. આચ્છાદનથી ઉનાળામાં ઠંડક તેમજ શિયાળામાં ગરમી જળવાતાં જમીનનું તાપમાન નિયંત્રણમાં રહે છે. આવરણને લીધે પ્રકાશ ન પહોંચવાથી નીંદામણ ઊગતાં અટકે છે. વરસાદના સમયે ધોવાણથી જમીનના ફળદ્રુપ સ્તરની રક્ષા આ આવરણ કરે છે.  ઠંડક-ભેજ મળી રહે તેથી બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો વિકસે છે જે પોષક તત્વો છોડ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. મલ્ચ સડીને હ્યુમસ બનાવે જેથી ૪-૫ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ લગભગ બમણું થઈ જાય છે. જમીનનું pH સંતુલિત રહે, જમીન પોચી અને હવાદાર બને, છોડનું મૂળ ઊંડું-પહોળું ફેલાય અને આ બધાને લીધે પ્રથમ જ વર્ષે ઘણું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મલ્ચિંગ એ જમીન માટે ખાતર સમાન ફાયદાકારક ભૂમિકા ભજવે છે.

      પ્રાકૃતિક ખેતીમાં મલ્ચીંગથી ખેડૂતોનો રાસાયણિક દવા-ખાતરનો ખર્ચ ઘટે ખૂબ ઘટી જાય છે. ગામોમાં ભૂગર્ભ જળસ્તર ઘટતું અટકે છે કારણ કે  મલ્ચીંગથી જમીનનો ભેજ ઉડી જતો અટકે છે અને પાણીની ખુબ બચત થાય છે. જમીન આપણને ખુલ્લા હાથે આપે તેવું ઈચ્છ્તા હો તો જમીનને ખુલ્લી ન રાખીએ. આપણે આપણી જમીન પર મલ્ચીંગનું એક આવરણ ચઢાવીએ, પ્રાકૃતિક ખેતી અપનાવીએ. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે મફત તાલીમ, ઘનજીવામૃત બનાવવા, મલ્ચિંગ વગેરે કરવાની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવે છે.  હાલનાં સમયમાં ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો આપતી પ્રાકૃતિક ખેતી એક વ્યવહારીક ખેતી તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે.