મેદસ્વિતા: ગંભીર રોગોનું મૂળ કારણ અને જાહેર સ્વાસ્થ્ય માટેનો ખતરો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી “મેદસ્વિતા મુક્ત ભારત” માટેના આહવાનને ગુજરાત સરકારે ઝીલી લીધું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો પાયાનો ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો, મેદસ્વિતાને નિયંત્રિત કરવાનો અને સૌને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ એક એવો સંકલ્પ છે જે પ્રત્યેક નાગરિકને “પહેલું સુખ તે જાતે નર્યા”ના વિચાર સાથે જોડીને રાજ્યની આરોગ્ય સુખાકારીને નવા સ્તરે લઈ જશે.
મેદસ્વિતા: ગંભીર રોગોનું મૂળ કારણ
મેદસ્વિતાને ઘણીવાર માત્ર શારીરિક દેખાવના મુદ્દા તરીકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે જાહેર સ્વાસ્થ્ય માટે એક ગંભીર ખતરો છે. તે માત્ર જીવનશૈલી સંબંધિત સમસ્યા નથી, પરંતુ તે અનેક બિન-સંચારક રોગો (Non-Communicable Diseases – NCDs)નું મુખ્ય કારણ બની શકે છે. જેવા કે, જીવનશૈલીના રોગો: હૃદય રોગ (Heart Disease), ટાઇપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર (Hypertension) અને કોલેસ્ટ્રોલની સમસ્યા. શારીરિક તકલીફો: સાંધાના દુખાવા, ઊંઘમાં શ્વાસ લેવાની તકલીફ (Sleep Apnea) અને કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ. ગુજરાત સરકારે આ ગંભીરતાને ઓળખીને, રોગના ઉપચારને બદલે રોગના મૂળ કારણ – મેદસ્વિતા – પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આયોજન કર્યું છે.
આ રાષ્ટ્રવ્યાપી આહવાનને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારે મજબૂત માળખું ઊભું કર્યું છે. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટી નીતિ ઘડતર અને અભિયાનને ઉચ્ચ સ્તરીય માર્ગદર્શન પૂરું પાડે છે. મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિ યોજનાઓના વાસ્તવિક અમલ અને સંકલન માટે જવાબદાર છે. આ કમિટીઓ રાજ્યના ૧૧ વિવિધ વિભાગો જેમ કે, આરોગ્ય, શિક્ષણ, રમતગમત, મહિલા અને બાળ વિકાસ, આદિજાતિ વિકાસ વગેરે સાથે સંકલન કરીને કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ સર્વગ્રાહી અભિગમ સુનિશ્ચિત કરે છે કે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ સમાજના દરેક સ્તર સુધી પહોંચે.
શિયાળાનો પડકાર અને વજન નિયંત્રણની આવશ્યકતા
હાલ શિયાળાની ઋતુ છે, જે મેદસ્વિતાના જોખમને વધારી શકે છે. શિયાળામાં ઠંડીને કારણે ભોજનમાં થતાં ફેરફારોના લીધે મોટાભાગના લોકોમાં વજન વધવાની સમસ્યા સામાન્ય બને છે. ભૂખ વધુ લાગવાને કારણે અને શરીરને ગરમી આપવા માટે ગરમ, તળેલા, અને વધુ કેલરીવાળા જેમ કે ઘી અને ગોળવાળા ખોરાકનું સેવન વધી જાય છે. ઠંડીના કારણે ઘણા લોકો કસરત કે યોગ કરવા, ચાલવું જેવી દૈનિક શારીરિક પ્રવૃત્તિઓ ટાળે છે, જેના પરિણામે શરીરમાં ચરબીનો સંગ્રહ વધે છે.
મેદસ્વિતામુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે શિયાળાની આ સમસ્યાનું નિવારણ કરવું અને સંતુલિત આહાર તેમજ નિયમિત શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે.
વજન નિયંત્રણના સરળ અને અસરકારક ઉપાયો
• શિયાળામાં વજનને વધતું અટકાવવા અને “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને સફળ બનાવવા માટે પ્રત્યેક નાગરિકે નીચે મુજબના ઉપાયોને પોતાની દૈનિક જીવનશૈલીમાં સામેલ કરવા જોઈએ:
• આળસ છોડીને દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટની મધ્યમ-તીવ્રતાવાળી કસરત, ચાલવું કે યોગ કરવો. ઠંડીના દિવસોમાં ઘરની અંદર પણ સરળ કસરતો કરી શકાય છે.
• શિયાળુ આહારમાં ગરમ સૂપ, ભરપૂર માત્રામાં લીલા શાકભાજી (પાલક, મેથી), અને આખા અનાજ (જેમ કે બાજરી) નો સમાવેશ કરવો.
• આ ઋતુમાં મળતા તાજાં ફળો અને શાકભાજી (ગાજર, આમળાં)નું સેવન વધારવું. ખજૂર, ગોળ કે સૂંઠપાક જેવા પોષક આહારને મર્યાદિત માત્રામાં જ લેવા, કારણ કે તે વધુ કેલરી ધરાવે છે અને વજન વધારી શકે છે.
• શરીરમાં પાણીની ઊણપ ન થાય તે માટે ગરમ પાણી, ગ્રીન ટી કે હર્બલ ટી નિયમિત પીવી. તે ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
• તહેવારો અને ઠંડીના બહાને તળેલા ફરસાણ, વધુ પડતી મીઠાઈઓ, જંક ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન સખત રીતે ટાળવું.
• વજન નિયંત્રણ માટે ૭-૮ કલાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, કારણ કે અપૂરતી ઊંઘ ભૂખ વધારતા હોર્મોન્સને અસર કરીને વજનમાં વધારો કરી શકે છે.
આમ, રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો મુખ્ય ધ્યેય જનભાગીદારી થકી રાજ્યને આરોગ્ય સુખાકારી માટેનું મોડેલ સ્ટેટ બનાવવાનો છે. પ્રત્યેક નાગરિકે આ અભિયાનના ઉદ્દેશ્યોને સમજીને, સ્વસ્થ જીવનશૈલીને પોતાની દિનચર્યાનો ભાગ બનાવવી જોઈએ. આ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ એક સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાતના નિર્માણ માટેનો સામૂહિક સંકલ્પ છે.
૦૦૦૦૦