વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર : વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર ૨૦૨૬ અંતર્ગત કચ્છના જિલ્લા કક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં રોગાન આર્ટ, એમ્બ્રોડરી વર્ક, અજરક બ્લોક પ્રિન્ટ, ભુજોડી વીવીંગ, બાટીક, માટીકામ, સુફ એમ્બ્રોડરી, મશરૂમ, બાંધણી, કોપરબેલ, વુડ ક્રાવીંગ, હેન્લૂમ મંડળી, લેધરમંડળી, સોટેન ક્રાવીંગ, પેપર મેચ આર્ટ, બીડ વર્ક, મડવર્ક સહિતના ૨૫ કલાકારો હાથવણાટની વસ્તુઓના સ્ટોલ થકી પોતાની કલાના કામણ પાથરશે. ગાંધીધામ ખાતે યોજાનારા વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં કલાકારીગરોને વેપારનું નવું માધ્યમ મળવા જઈ રહ્યું છે ત્યારે કચ્છી કલા કારીગરોએ ગૌરવ અનુભવતાં આનંદ વ્યક્ત કર્યો હતો. ભુજ તાલુકાના સુમરાસર ગામના કારીગરશ્રી ગીતાબેન ભાનાણીએ જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવાની અમૂલ્ય તક મળવા જઈ રહી છે તે બદલ સરકારનો આભાર માનતાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં સ્ટોલ મળવાથી વસ્તુઓના વધુ વેચાણથી અમારી આવકમાં વધારો થશે.
કચ્છના છેવાડાના ગામના ગીતાબેન ભાનાણી એક પણ ચોપડી ભણ્યા નથી, પરંતુ કૌશલ્યના બળે દેશ વિદેશની કંપનીઓ સાથે જોડાઈને વાર્ષિક રૂ.૪૦ લાખથી વધુની આવક રળી રહ્યા છે. ગીતાબેન એમ્બ્રોડરી ભરતકલા સાથે વારસાગત રીતે જોડાયેલા છે. કચ્છમાં ૧૨ જેટલી એમ્બ્રોડરી ભરતકલા પ્રચલિત છે જેમાં સુફ અને ખારેક એમ્બ્રોડરીમાં માહિર એવા ગીતાબેને આ ભરતકામ વિશે વધુ જણાવ્યું હતું કે, સુફ અને ખારેક એમ્બ્રોડરીમાં મશીનનો ઉપયોગ કર્યા વિના વિવિધ કાપડ પર દોરાઓના એક એક તારને ગણીને હાથેથી ભરત કરવામાં આવે છે. શરૂઆતમાં હું કલારક્ષા અને સૃજ્જ્ન સંસ્થા સાથે જોડાઈને કામ કરીને રોજગારી મેળવતી હતી તેમ ગીતાબેને ઉમેર્યું હતું.
ગીતાબેનની પોતાનો બિઝનેશ કરવાની અને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવાની ખેવનાના કારણે તેમણે જાતે કામ કરવાની શરૂઆત કરી હતી. ગીતાબેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે એકથી બે બહેનો કામ કરતાં હતાં, ત્યારે આર્થિક સંકડામણના કારણે અમે વસ્તુઓ તૈયાર કરી વિવિધ શહેરોમાં જઈને વેપાર કરી શકતાં નહીં. રાજ્ય સરકારની લોનની સહાય અને માર્કેટીંગના વિવિધ પ્લેટફોર્મ મેળવીને અમે આવડતના બળે રોજગારી મેળવી પગભર બન્યા છીએ. ગીતાબેને ઉમેર્યું હતું કે, હું ચાણકદેવી સખીમંડળ સાથે જોડાયેલી છું, જેમાં મહિલાઓ સંગઠિત બનીને ગોદળી, પર્સ, શર્ટ, શાલ, સાડી, દુપટ્ટા વગેરે જેવી વસ્તુઓ તૈયાર કરીએ છીએ. આ સાથે આભલાભરત, આહીરભરત, માતીકામની અનેકવિધ વસ્તુઓ બનાવીને દેશભરમાં મોકલીને વ્યાપાર કરી રહ્યા છીએ. આત્મનિર્ભર બનેલા ગીતાબેન અન્ય ૨૦૦થી પણ વધુ મહિલાઓને કામ આપીને મુખ્યમંત્રીશ્રીના સશક્ત મહિલાઓના સ્વપ્નને સાકારિત કરી રહ્યા છે. કચ્છમાં વિવિધ શાળા અને કોલેજોમાં જઈને કિશોરીઓને હસ્તકલા, ભરતગૂંથણની તાલીમ આપે છે તેમ ગીતાબેને જણાવ્યું હતું.
ગીતાબેન મુંબઈ, અમદાવાદ, જયપુર, દિલ્હી તેમજ કચ્છના રણોત્સવમાં ભાગ લઈને હાથવણાટની વિવિધ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. તેઓ ગુજરાત સહિત ભારતભરમાં તથા વિદેશોમાં પ્રદર્શન અને મેળાઓમાં ભાગ લઈને લાખોની આવક મેળવે છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકારિત કરવાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે. ત્યારે કચ્છમાં વોકલ ફોર લોકલ અંતર્ગત સુમરાસર ગામના ગીતાબેન કાપડમાંથી રમકડાં, કિચન, ફ્રેમ, ટોડલીયા, વટવો જેવી અનેક નવીનતમ વસ્તુઓ બનાવી રહ્યા છે. તેમજ તહેવાર અનુસાર રાખડી, ચણીયા ચોળી, ઢીંગલીઓ જેવી વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યા છે. આ સાથે જ રાજ્ય સરકારના ગરવી ગુજરાત પ્રકલ્પ અંતર્ગત ઓર્ડર મેળવી સરકાર માટે હસ્તકલાની વિવિધ વસ્તુઓ ગીતાબેન તૈયાર કરી રહ્યા છે.
ગીતાબેન ભાનાણી વર્ષ ૨૦૨૩માં રાજ્યના સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એર્વોડથી સન્માનિત થયેલા છે. કચ્છના જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમમાં સહભાગી બનવાની અમૂલ્ય તક મળવા જઈ રહી છે તે બદલ કચ્છની હેન્ડીક્રાફટ ઓફિસનો તેમજ મહિલા સશક્તિકરણ માટે અવિરત કાર્યરત એવા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કારીગરશ્રી ગીતાબેન ભાનાણીએ હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
કચ્છ જિલ્લામાં વાઈબ્રન્ટના લીધે એક મોટું ઔદ્યોગિક પરિવર્તન આવ્યું છે. ઉદ્યોગોની સાથે સાથે અહીંની સ્થાનિક કલા કારીગરીને વૈશ્વિક મંચ પ્રાપ્ત થયો છે. આજે કચ્છમાં હજારોની સંખ્યામાં સખી મંડળો કાર્યરત છે અને તેના લીધે અનેક મહિલાઓ પગભર બની છે. વાઈબ્રન્ટના લીધે માત્ર ઉદ્યોગ જ નહીં પણ હેન્ડલૂમ સેક્ટરનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે.
ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છમાં જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવશે.
VGRC 2026: સૌરાષ્ટ્ર–કચ્છની સિદ્ધિઓનું મંચ……
ગુજરાત જાન્યુઆરી ૨૦૨૬ના બીજા અઠવાડિયામાં રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. કોન્ફરન્સની સાથે, વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન તે જ સ્થળે યોજાશે. VGRC રાજ્ય સરકારની સંતુલિત પ્રાદેશિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સિદ્ધિઓ દર્શાવવા અને રોકાણ માટે નવા માર્ગો ખોલવા માટે એક સમર્પિત પ્લેટફોર્મ પ્રદાન કરશે.
VGRC ૨૦૨૬ ભારત અને વિદેશના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, વૈશ્વિક નિષ્ણાતો, નવીનતાઓ અને હિસ્સેદારોને એકસાથે લાવશે. કેન્દ્રિત ક્ષેત્રીય સત્રો, પ્રદર્શનો અને સહયોગી મંચો દ્વારા પ્રગતિ અને ટકાઉ વિકાસના આગામી તબક્કાનું નેતૃત્વ કરવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ કેવી રીતે સજ્જ છે તે પ્રકાશિત થશે. આ કોન્ફરન્સથી કચ્છ-સૌરાષ્ટ્રમાં કૃષિ અને ડેરી ઉદ્યોગમાં નવીન તકનીક, ગ્રીન એનર્જીમાં વૈશ્વિક ભાગીદારી, યુવાઓને પગભર બનાવા માટેના અનેક અવસરો, ઉદ્યોગો અને રોજગારના નવા વિકલ્પો મળી રહેશે.
- જિજ્ઞા પાણખાણીયા