જીલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેનો અભિવાદન સમારોહ યોજાયો

હાલમાં ગુજરાત ભાજપ પ્રદેશ ભાજપની નવી ટીમની રચના કરવામાં આવી જેમાં કચ્છમાંથી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક થતા કચ્છ જિલ્લા ભાજપમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. કચ્છ ને સતત બીજી ટર્મ માં પ્રદેશ મહામંત્રીનું પદ મળતા સૌ આગેવાનો કાર્યકર્તાઓમાં ખુશી નો માહોલ છવાયો હતો.

કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં આગેવાનો અને જિલ્લા ભરમાંથી પધારેલા કાર્યકર્તાઓની હાજરીમાં નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીશ્રીનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કચ્છ મોરબીનાના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્યો રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા, પૂર્વ જિલ્લા ભાજપ પીમુખ દિલીપભાઈ ત્રિવેદી, પ્રદેશ ભાજપ પૂર્વ મંત્રી અરજણભાઈ રબારી, કે.ડી.સી.સી. ચેરમેન દેવરાજભાઇ ગઢવી, સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો, વિવિધ મોરચા ના આગેવાનો, મંડળ ના હોદેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ધારાસભ્યો પ્રદ્યમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી એ અનિરુદ્ધભાઈને અભિનંદન પાઠવી સાથી ધારાસભ્યને પ્રદેશમાં જવાબદારી મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

પૂર્વ પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ નિમણુંકને વધાવી લઇ સતત બીજી વખત જિલ્લાને પ્રદેશમાં સ્થાન મળવા બદલ અનિરુદ્ધભાઈની સાથે જિલ્લાના આગેવાનો અને કાર્યકરોને પણ અભિનંદન આપ્યા હતા.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે અનિરુદ્ધભાઈને અભિનંદન પાઠવીને સાથોસાથ આ નિમણુંકને આવકારી પ્રદેશ ભાજપનો સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં સાથે મળીને જિલ્લા સંગઠનને વધુ મજબૂત કરવાનું કામ થશે અને પરિણામે વધુમાં વધુ વિકાસના કામો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

નવ નિયુક્ત પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેએ પોતાના સન્માનના પ્રત્યુતરમાં સૌ પ્રથમ તો રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કામ કરવા પર ભાર મુક્યો હતો અને વિશેષમાં જણાવ્યું હતું કે એક પાયાના કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી મળવી એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે અને આ બદલ પ્રદેશ ભાજપના નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આ પદ નથી પણ જવાબદારી છે એમ સમજીને આગામી દિવસોમાં સૌને સાથે રાખી વધુ સારા સંગઠનાત્મક કાર્યો કરવા પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી.

જિલ્લાભરમાંથી આવેલા વિવિધ મંડળના આગેવાનો, કાર્યકરો તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને વંદે માતરમનું ગાન મોમાયાભાઈ ગઢવી દ્વારા કરાયું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઈન્ચાર્જ ચેતન કતીરાની યાદીમાં જણાવાયું હતું.