રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત કચ્છ જિલ્લામાં 76,877 ખેડૂતોને ડીબીટી મારફતે રૂ. 244 કરોડની સહાય ચૂકવાઈ
રાજ્યમાં વર્ષ 2025 દરમિયાન સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ, કઠોળ તેમજ અન્ય તૈયાર ખરીફ પાકને નુકસાન થયું હતું. ખેડૂતોની ચિંતા કરીને રાજ્ય રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં વીસીઇ મારફતે નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે અન્વયે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો તરફથી રજૂ થયેલા સાધનિક પુરાવાઓ અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામ સેવક દ્વારા કરવામાં આવી હતી. પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદ પૈકી કૃષિ રાહત પેકેજમાં અંજાર, ભચાઉ તેમજ રાપર તાલુકામાંથી કુલ 55,526 ખેડૂતે અરજી કરી હતી. આ ઉપરાંત, ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદ અંતર્ગત સહાય મેળવવા અંજાર તેમજ ભચાઉ તાલુકામાંથી 22153 ખેડૂતે અરજી કરી હતી. આમ બંને પેકેજમાં મળીને કુલ 77,679 ખેડૂતો દ્વારા અરજીઓ ખેતીવાડી વિભાગને પ્રાપ્ત થઈ હતી. જે પૈકી ખેતીવાડી વિભાગે 76877 ખેડૂતોની અરજીની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી મારફતે રૂ. 244 કરોડની રકમ સીધી જમા કરી છે. જે ખેડૂતોના બેંક ખાતા આધારકાર્ડ સાથે લીંક કરવાના બાકી હોય તેઓને આધાર સીડિંગ કરાવવા માટે ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે.