કચ્છમાં “મિનરલ પ્રોસેસિંગ ઝોન” બનાવવા માટેનો વિશેષ સેમિનાર ગાંધીધામ ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો

ગાંધીધામના જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગની અપાર સંભાવનાઓ વિશે વિમર્શ કરવા તેમજ કચ્છ ઈકોનોમિક માસ્ટર પ્લાન મુજબ જિલ્લામાં “મિનરલ પ્રોસેસિંગ ઝોન” બનાવવા અંગેના વિષયનો વિશેષ સેમિનાર શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ભવન ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં ૧૫૦થી વધુ મિનરલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા જાહેર સાહસો તેમજ કચ્છની મિનરલ પ્રોસેસિંગ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું આયોજન ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટશન ફોર ટાન્સફોર્મેશન, જીએમડીસી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ઉદ્ભોધન કરતા જણાવ્યું હતું કે, કચ્છ અને ગુજરાતની આર્થિક અને સામાજિક પ્રગતિ પાછળ એક મુખ્ય કારણ ઉદ્યોગોનો વિકાસ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અનેક આપદાઓના સામનો કર્યો છે એવા આપણા કચ્છ જિલ્લાએ આજે ઔદ્યૌગિક વિકાસમાં કાઠું કાઢ્યું છે. રાજ્યમંત્રીશ્રીએ કચ્છને એક વિશેષ પ્રદેશ ગણાવીને માળખાકીય સુવિધાઓ તેમજ આંતરરાષ્ટ્રીયકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કચ્છ જિલ્લામાં અનેક ખનીજ સંપદાઓ આવેલી છે અને તેના પ્રોસેસિંગને લઈને વિવિધ ઈન્ડસ્ટ્રીઝ આગળ આવે તેમ અનુરોધ કરીને રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે દેશ અને દુનિયાને જરૂરી છે તે તમામ પ્રકારના ખનીજો કચ્છના પેટાળમાં ઉપલબ્ધ છે. ઉદ્યોગકારો ફક્ત વ્યવસાય જ નહીં પણ સમાજ નિર્માણના કાર્યમાં મોટી ભૂમિકા અદા કરે છે. કચ્છમાં જીએમડીસી સહિતના ઉદ્યોગોથી લોકજીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. માત્ર કચ્છ જ નહીં અન્ય રાજ્યમાંથી લોકો આવીને કચ્છના શહેરોમાં શાંતિથી વસવાટ કરીને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બની રહ્યા છે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કચ્છમાં મિનરલ પ્રોસેસિંગની અપાર સંભાવનાઓ છે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ઉદ્યોગોએ મિનરલ પ્રોસેસિંગ સેક્ટરમાં આગળ આવવું પડશે. રાજ્ય સરકાર ઉદ્યોગો માટે તમામ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહી છે તેમ જણાવીને તેઓએ જિલ્લાની અપાર ખનીજ સંપદાઓને ઓળખીને કચ્છને મિનરલ પ્રોસેસિંગનું હબ બનાવવા અપીલ કરી હતી.
કચ્છમાં માટે રાજ્ય સરકારની ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટશન ફોર ટાન્સફોર્મેશન દ્વારા તૈયાર કરાયેલા કચ્છ ઈકોમોનિક માસ્ટર પ્લાન અંગે વિસ્તૃત પ્રેઝેન્ટેશન સનદી અધિકારી સુશ્રી સ્તુતિ ચારણ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે કચ્છ જિલ્લામાં એગ્રી ફૂડ પ્રોસેસિંગ, પોર્ટ, ફિશરિઝ, ગ્રીન હાઈડ્રોજન વગેરે ક્ષેત્રોના આયોજનબદ્ધ રીતે વિકાસ અંગે માહિતી સૌને પુરી પાડી હતી.
પ્રાસંગિક પ્રવચન કરતા જીએમડીસીના સીનિયર જનરલ મેનેજરશ્રી એ.કે.માકડીયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગના ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે. મહેનત અને સરકારના સહયોગથી કચ્છના લોકોએ જ કચ્છને નવી ઓળખાણ આપી છે. આજે કચ્છ ગુજરાતના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનીને ઊભરી આવ્યું છે. તેઓએ રેર અર્થ મિનરલ્સ સહિત કચ્છ પ્રાપ્ત થતા ખનીજો વિશે વિગતવાર જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સેમિનાર કચ્છના મિનરલ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ખનીજ સંપદાઓથી ભરપૂર કચ્છ જિલ્લામાં આ સેમિનારના આયોજનથી કચ્છના આર્થિક વિકાસને વેગ મળશે. આ સેમિનારે સરકારી સંસ્થાઓ, જાહેર સાહસો અને ખાનગી યુનિટને ચર્ચા વિચારણા તેમજ ઔદ્યોગિક રણનીતિનો એક મંચ પુરો પાડ્યો હતો.
સેમિનારમાં નોલેજ સેશન અંતર્ગત ખનીજ સંપદાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકતા, કચ્છની વિપૂલ ખનીજ સંપત્તિનું મૂલ્યવર્ધન જેવા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાઈમસ્ટોનના જનરલ મેનેજરશ્રી એ.કે.શર્મા, શ્રીરામ કેઓલિનના મેનેજિંગ ડીરેક્ટરશ્રી મોહિત સોલંકી, જીએચસીએલના સીનિયર પ્રેસિડેન્ટશ્રી એન.એન.રાડિયા, ટાટા કેમિકલ્સના પૂર્વ ચેરમેનશ્રી ઝરીર લંગરાણા, તેમજ આશાપુરા માઈનકેમના એક્ઝિક્યુટિવ ડીરેક્ટરશ્રી હેમુલ શાહ સહિતના ઉદ્યોગકારો અને વિશેષજ્ઞોના રસપ્રદ સેશન યોજાયા હતા. વિવિધ સેશનમાં લાઈમસ્ટોન મેનેજમેન્ટ, ચાઈના ક્લે તેમજ વ્હાઈટ ક્લે, સોડા એશ અને કેમિકલ સોલ્યુશન્સ તેમજ મલ્ટી-મિનરલ સિનર્જી જેવા વિષયોને આવરી લેવાયા હતા.
સેમિનારમાં કચ્છ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, પશ્ચિમ કચ્છ જીઓલિસ્ટશ્રી દેવેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર રાવલ, ગ્રીટ ટીમના મેમ્બર્સ સર્વે સુશ્રી તેજલ પરમાર, શ્રી એ.વી.ચાંપાનેરી, શ્રી દિવ્યા નબુથીરી સહિત એક્સપર્ટ, વક્તાઓ, ઉદ્યોગપતિઓ અને મિનરલ સાથેની સંલગ્ન યુનિટના પ્રતિનિધિશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.