સોલૈયા ગ્રામ પંચાયત ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાનને આપ્યો વેગ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સામાન્ય નાગરિકની જેમ ગાંધીનગરથી ગુજરાત એસ.ટી. બસમાં મુસાફરી કરીને માણસા તાલુકાના સોલૈયા ગામે પધાર્યા. આ અવસરે જિલ્લા વહીવટી તંત્ર સહિત સ્થાનિક ગ્રામજનોએ રાજ્યપાલશ્રીનું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું હતું. સોલૈયા ગામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીએ ગ્રામ પંચાયતના પ્રાંગણમાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા પ્રેરણા આપી હતી. આ સાથે તેમણે સ્થાનિક અગ્રણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ગામના મુખ્ય માર્ગો પર સફાઈ હાથ ધરીને સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા અનુરોધ કર્યો હતો.

આ તકે રાજ્યપાલશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં કહ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ’એક પેડ માં કે નામ’ અભિયાન થકી દેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં આપણે સૌએ સહભાગી થઈને ખૂબ વૃક્ષો વાવવા જોઈએ.

રાજ્યપાલશ્રીએ આ અવસરે ગ્રામજનોને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈ ખાસ પ્રસંગ હોય, તો સમાજ માટે ઉપયોગી એવું એક કાર્ય કરી શકાય અને તે માટે એક વૃક્ષ વાવવું એ સર્વોત્તમ સેવા છે.

તેમણે ઉમેર્યું કે, બાળકના જન્મ દિવસે તેના હાથે એક વૃક્ષ વવડાવવું અને આગામી જન્મ દિવસ સુધી તેનું જતન કરવું જોઈએ. સતત ત્રણ વર્ષ સુધી વૃક્ષની માવજત કરવાથી એ જ વૃક્ષ આખી જિંદગી માનવજાતને ફળ, લાકડું, છાંયડો, ઓક્સિજન અને શુદ્ધ હવા આપી આપણી કાળજી રાખશે. જેથી રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને દૈનિક પાણી આપીને અને ઉછેર કરીને વૃક્ષોને જીવંત રાખવાની અપીલ કરી હતી.

વૃક્ષારોપણ સાથે રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ને વેગ આપતા સોલૈયા ગામના મુખ્ય માર્ગ પર ગ્રામજનો અને સ્થાનિક સફાઈ કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ગામમાં સફાઈ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતાનો વાસ હોય છે. તેથી ગ્રામજનોને સમગ્ર ગામની સફાઈ થકી સ્વચ્છ બનાવવાનો સંકલ્પ લેવાની પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સોલૈયા ગામના સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું તથા તેમના સમાજસેવી કાર્યની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી આયુષ જૈન, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અગ્રણીશ્રી અનિલભાઈ પટેલ, સરપંચશ્રી, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને પ્રેરણાનું વાતાવરણ સર્જાયું હતું.