સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો રાજ્યવ્યાપી પ્રારંભ : ૫.૫૦ લાખ કિશોરીઓને સુરક્ષિત કરવાનું લક્ષ્ય

ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે લડવા માટેની આ રસી અંગે ફેલાવવામાં આવતી નકારાત્મક ટિપ્પણીઓ અને અફવાઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)ના નિષ્ણાત તબીબોએ પાયાવિહોણી ગણાવી છે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું તબીબોએ ભારપૂર્વક જણાવ્યું છે.

દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer)ના ગંભીર આંકડા

– ભારતીય મહિલાઓમાં જોવા મળતા કુલ કેન્સરના કેસોમાં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે (લગભગ ૧૭.૭%), – ભારતમાં દર ૪ મિનિટ અને ૧૨ સેકન્ડે એક મહિલામાં સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય છે.

– દેશમાં દર ૭ મિનિટે એક મહિલાનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થાય છે.

– દુર્ભાગ્યે, ભારતમાં લગભગ ૭૦-૭૫% દર્દીઓ બીજા અથવા ત્રીજા સ્ટેજમાં નિદાન માટે આવે છે.

– ગર્ભાશયના મુખનું કેન્સર ૩૦ થી ૬૯ વર્ષની વયજૂથની મહિલાઓમાં થતા મૃત્યુનું એક મુખ્ય કારણ છે.

નિષ્ણાત તબીબોનો અભિપ્રાય: રસી શા માટે જરૂરી?

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબોના જણાવ્યા મુજબ, ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સર બીજા ક્રમે છે. વર્ષ ૨૦૨૨ના આંકડા અનુસાર, દેશમાં અંદાજે ૧,૨૭,૫૨૬ નવા કેસ અને ૭૯,૯૦૬ મૃત્યુ નોંધાયા હતા, જ્યારે ગુજરાતમાં ૪૯૨૮ નવા કેસ અને ૧૭૮૧ મૃત્યુ નોંધાયા હતા.

આ કેન્સર માટે મુખ્યત્વે HPV 16 અને 18 પ્રકારના વાયરસ જવાબદાર છે. ૧૪ વર્ષની વયે આપવામાં આવતી આ રસી આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.

HPV ચેપ લાંબા સમય સુધી રહે તો તે ‘Cervical Intraepithelial Neoplasia (CIN)’ માં પરિવર્તિત થઈ શકે છે, જે ૧૦ થી ૨૦ વર્ષમાં આક્રમક કેન્સરમાં ફેરવાય છે.

આ લાંબો સમયગાળો પ્રાથમિક નિવારણ માટે સોનેરી તક પૂરી પાડે છે, તેથી કિશોરી અવસ્થામાં ચેપ લાગે તે પહેલા રસી આપવી એ સર્વોત્તમ રક્ષણ છે.

વિશ્વસનીયતાના વૈજ્ઞાનિક પુરાવા

તબીબોએ આ રસીની સુરક્ષા અંગે વૈશ્વિક પુરાવાઓ ટાંકતા જણાવ્યું છે કે:

– વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની ગ્લોબલ એડવાઈઝરી કમિટી (GACVS) એ સ્પષ્ટ કર્યું છે કે HPV રસી અને વંધ્યત્વ અથવા અન્ય ગંભીર આડઅસરો વચ્ચે કોઈ જ કારણભૂત સંબંધ નથી.આ રસીને અમેરિકાની FDA (Food and Drug Administration) અને CDC જેવી વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ મંજૂરી આપી છે. ભારતમાં ICMR (Indian Council of Medical Research) અને NTAGI દ્વારા HPV રસીના સમાવેશને પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા સહિત વિશ્વના ૧૦૦થી વધુ દેશોએ આ રસીને પોતાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૭થી શરૂ થયેલા કાર્યક્રમ બાદ HPV ચેપ અને ઉંચી કક્ષાના ગર્ભાશયના મુખના ઘાવમાં ૯૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. યુકેમાં ૧૨-૧૩ વર્ષની વયે રસી લેનાર યુવતીઓમાં કેન્સરનું પ્રમાણ ૮૭% સુધી ઘટ્યું હોવાનું સંશોધનોમાં સાબિત થયું છે.

રાજ્ય સરકારની મજબૂત તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા

આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અંદાજે ૫.૫૦ લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય છે.

નિઃશુલ્ક રસીકરણ: બજારમાં એક ડોઝની કિંમત રૂ. ૩,૦૦૦ હોવા છતાં, સરકાર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આ રસી વિનામૂલ્યે આપી રહી છે.

સુરક્ષા અને દેખરેખ: રસીની અસરકારકતા માટે +2 °C થી +8° C તાપમાનમાં ૨૨૯૭ કોલ્ડ ચેઈન પોઈન્ટ કાર્યાન્વિત છે. જો કોઈ કિશોરીને સામાન્ય ગભરામણ જેવી આડઅસર જણાય, તો તેની તાત્કાલિક સારવાર માટે દરેક કેન્દ્ર પર ડોક્ટર અને દવાઓની વ્યવસ્થા છે.

રિયલ-ટાઈમ મોનિટરિંગ: રસીકરણના ડેટા અને કેન્સર નાબૂદીના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે રાજ્યમાં TeCHO+ અને SAFE-VAC જેવા પોર્ટલ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. 

સર્વાઇકલ કેન્સર નાબૂદી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના લક્ષ્યાંકો અને તેને અનુરૂપ ગુજરાતમાં થઈ રહેલી પ્રગતિ નીચે મુજબ છે:

૯૦-૭૦-૯૦ નો વૈશ્વિક લક્ષ્યાંક: વર્ષ ૨૦૩૦ સુધીમાં ૯૦%

કિશોરીઓનું રસીકરણ, ૭૦% મહિલાઓનું ૩૫ અને ૪૫ વર્ષની વયે સ્ક્રીનિંગ અને ૯૦% અસરગ્રસ્ત મહિલાઓને સચોટ સારવાર પૂરી પાડવાનો લક્ષ્યાંક છે.

ગુજરાતની વ્યૂહરચના: રાજ્યમાં રસીકરણની સાથે સાથે ‘મમતા દિવસ’ ના માધ્યમથી દર વર્ષે ૧૩ લાખથી વધુ સગર્ભા બહેનો અને ૧૨ લાખ બાળકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવે છે. 

નિષ્ણાત દેખરેખ: રાજ્યકક્ષાએ HPV અભિયાનની તૈયારી અંતર્ગત અધિક મુખ્ય સચિવશ્રી દ્વારા સીધું સુપરવિઝન અને જિલ્લા કક્ષાએ વર્ગ-૧/૨ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિયુક્ત કરી કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. કચ્છમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ અને નિષ્ણાત તબીબો વાલીઓને અપીલ કરે છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાયા વગર પોતાની ૧૪ વર્ષની દીકરીને આ રસી અવશ્ય અપાવે. આ રસી એ ભવિષ્યમાં કેન્સર જેવી જીવલેણ બીમારી સામે દીકરીનું ‘રક્ષક કવચ’ છે.