ડી.ડી.પંડ્યા જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી જિલ્લા પંચાયત કચેરી ભુજ કચ્છ દ્વારા ચુનડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત

તા.૧૩/૦૧/૨૦૨૬ના રોજ ડી.ડી.પંડ્યા જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી (ICDS) જિલ્લા પંચાયત કચેરી ભુજ કચ્છ દ્વારા ભુજ
તાલુકાના ચુનડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર સવારે ૧૦:૧૫ કલાકે બંધ હાલતમાં જોવા મળ્યું હતું અને આંગણવાડી કાર્યકર અને તેડાગર દ્વારા કોઈ પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વગર ગેરહાજરી નોંધાઈ હતી. તપાસમાં વધુમાં નોંધાયું હતું કે ૦૩ થી ૦૬ વર્ષના નોંધાયેલ બાળકો કેન્દ્ર પર હાજર ન હતા, બાળકો માટેના સવાર અને બપોરના ગરમ નાસ્તાની કોઈ તૈયારી કરવામાં આવી ન હતી, તેમજ પોષણ પ્રવૃત્તિઓ અમલમાં મૂકાઈ ન હતી. HCM, MMY અને THR સ્ટોકની યોગ્ય જાળવણી ન હતી, રસોડામાં તથા કેન્દ્ર પર સ્વચ્છતાનો અભાવ, તેમજ રજીસ્ટરો અને પોષણ સંગમ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાની ગંભીર બાબતો સામે આવી હતી. આ ઉપરાંત પૂર્વ-પ્રાથમિક શિક્ષણની કોઈપણ પ્રવૃત્તિઓ ન થવી, હાજરી રજીસ્ટર લાંબા સમયથી નિભાવવામાં ન આવવું
અને બાળકોના શૈક્ષણિક પોર્ટફોલિયો જાળવવામાં ન આવવાથી બાળકોના પોષણ, શિક્ષણ અને આરોગ્ય પર પ્રતિકૂળ અસર થતી હોવાનું જણાયું છે. આ તમામ ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં રાખી ચુનડી આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર અને તેડાગરનું તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા.૧૩/૦૧/૨૦૨૬ સુધીનું માનદવેતન કપાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ તેની નોંધ તેમની માનદ સેવાપોથીમાં કરવામાં આવશે. ભવિષ્યમાં આવી બેદરકારી પુનરાવર્તિત થશે તો માનદ સેવા સમાપ્તિ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સાથે સાથે, ડી.ડી.પંડ્યા જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી (ICDS) જિલ્લા પંચાયત કચેરી ભુજ કચ્છ દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે સરકારશ્રીનો મુખ્ય હેતુ બાળકોને ગુણવત્તાસભર પોષણ, શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આ માટે તમામ આંગણવાડી કેન્દ્રોમાં નિયમિત તપાસ કરવામાં આવશે તથા જ્યાં ખામીઓ જણાશે ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં બાળકો અને લાભાર્થીઓને સરકારશ્રીની યોજનાઓનો સંપૂર્ણ અને અસરકારક લાભ મળી રહે.