વિવિધ સરકારી યોજનાના લાભ થકી કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યો સકારાત્મક બદલાવ

ભુજ તાલુકાના નાડાપા ગામની સરકારી માધ્યમિક શાળાની નવનિર્મિત ઈમારતનું લોકાર્પણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ૯૮૧ લાખના ખર્ચે રીસર્ફેસીંગ એન્ડ વાઈડનીંગ થનારા નાડાપા – હબાય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના તથા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર લોકોની સુખાકારી માટે શિક્ષણ, રોજગાર, આરોગ્યથી લઇને વિવિધ ક્ષેત્રે વિકાસના કાર્ય કરી રહી છે. વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરી નાગરિકોની જરૂરિયાતો સંતોષવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે વિકસિત ભારતના નિમાર્ણમાં ગ્રામજનોને સહયોગ આપવા રાજ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.
નાડાપા પ્રાથમિક શાળાની સારા ગુણ મેળવી અવ્વલ આવેલી વિદ્યાર્થીનીની સરાહના કરી રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અમલી કરેલી લાભકારી અનેકવિધ યોજનાના કારણે કચ્છના છેવાડાના ગામમાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યાં છે. નાગરિકો માટે સંવેદનશીલ અને યુવાનોના ભાવિ માટે ચિંતત રાજ્ય સરકાર અદ્યતન ટેકનોલોજી આધારિત સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, સ્માર્ટ બ્લેકબોર્ડ આધારિત શાળાઓ વિકસાવી રહી છે તેમ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી કચ્છ અવિરત વિકાસ સાધી રહ્યું છે. રાજ્ય સરકાર અવિરત પ્રયાસોના કારણે રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ મળવાથી સરહદી જિલ્લો વિકસિત થઈ રહ્યો છે તેવું ઉમેરી સાંસદશ્રીએ નાડાપા હબાય રોડના રીસર્ફેસીંગ એન્ડ વાઈડનીંગ કાર્ય બાબતે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મશરૂભાઈ રબારી, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, નાડાપા સરપંચશ્રી ગીતાબેન ડાંગર, શાળાના આચાર્યશ્રી શીવુભા ભાટ્ટી તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત અન્ય ૧૫ ગામના સરપંચશ્રીઓ તથા શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.