ભૂકંપ બાદ કચ્છ જિલ્લો આજે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસની વાઈબ્રન્સીનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ ખાતે કચ્છમિત્ર, જીએસડીએમએ અને રેડક્રોસ સહિતની સંસ્થાઓ દ્વારા આયોજિત “ધ્રુજારી-એક નવી શરૂઆત” કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો એ વર્ષ ૨૦૦૧ના ભૂકંપના દિવંગતોને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કચ્છની વિનાશકારી ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છના ભૂકંપથી જનજીવન ખોરવાઈ ગયું હતું. ભૂકંપના લીધે અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. કચ્છના ધંધા રોજગાર ઉદ્યોગોને મોટા પ્રમાણમાં અસર થઈ હતી. ભૂકંપ બાદ દેશ અને દુનિયાના લોકોને એવું લાગતું હતું કે, કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઈ શકે. મુખ્યમંત્રીશ્રીએ કચ્છીમાડુઓના ખમીર અને જમીરને બિરદાવીને ઉમેર્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કચ્છીમાડુઓએ ભૂકંપની આપદાને અવસરમાં પલટવાના આહવાનને ઝીલી લીધું હતું. ભૂકંપનો માર સહન કરનારો કચ્છ જિલ્લો આજે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસની વાઈબ્રન્સીનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો છે.
ભૂકંપ બાદ કચ્છમાં પુનર્વસનનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છીમાડુઓની સાહસ અને ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને કચ્છને બેઠું કર્યું હતું. પુનવર્સન કાર્યમાં સરકારી તંત્ર સાથે સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટો, ઉદ્યોગજગત વગેરેને જોડીને વડાપ્રધાનશ્રીએ વિનાશમાંથી નવસર્જનનો ઈતિહાસ રચ્યો હતો. કચ્છના ભૂકંપની આફતમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતે દેશ અને દુનિયા સમક્ષ આપત્તિ વ્યવસ્થાપનનું એક સફળ મોડેલ જીએસડીએમએના માધ્યમથી પ્રસ્તુત કર્યું. આજે ‘કચ્છ એટલે વિકાસ’ એવી ઓળખ વડાપ્રધાનશ્રીએ ઊભી કરી છે. વાઈબ્રન્ટ સમિટ અને રણોત્સવ જેવા કાર્યક્રમો કચ્છના વિકાસને નવું બળ પુરું પાડી રહ્યા છે. કચ્છનું રણ પ્રવાસનનું તોરણ બન્યું છે. રણોત્સવ આજે ગ્લોબલ ઈવેન્ટ બની છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમયે દુકાળની લપેટમાં રહેતા કચ્છના દરેક ઘરમાં આજે નર્મદાનું પાણી પહોંચ્યું છે. સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે વડાપ્રધાનશ્રીએ સ્થાનિક કલા કારીગરીને પ્રોત્સાહન આપ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ વાઈબ્રન્ટ રિજનલ સમિટમાં સવા લાખ કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ કચ્છ જિલ્લા માટે થયા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી બનેલું સ્મૃતિવન મેમોરિયલ એ દિવગંતોને શ્રદ્ધાંજિલ સાથે જ અડગ મનોબળ, સ્થિરતા અને ભૂકંપની પૂનવર્સનની ગાથાનું જવલંત પ્રતીક છે. સ્મૃતિવન મેમોરિયલ એ દુનિયાના સૌથી સુંદર મેમોરિયલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્મૃતિવન મેમોરિયલ ફેઝ-૨ના વિકાસ માટે રૂ.૫૬૯ કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે.
કચ્છની વિકાસગાથા એ આવનારી પેઢી માટે કેપિસિટી બિલ્ડીંગનું આગવું ઉદાહરણ બનશે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વિનાશમાંથી નવસર્જનની વિકાસયાત્રા, એનર્જી સેક્ટર, ઔદ્યૌગિક વિકાસ વગેરે પ્રકલ્પોના લીધે કચ્છ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિનાશમાંથી વિકાસની ભૂકંપની ગાથા વર્ણવતી કોફી ટેબલ બૂક “ધ્રુજારી”નું વિમોચન કરીને કચ્છમિત્ર અખબારની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાની ભૂકંપની યાદોને વાગોળીને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧નો સમય કચ્છ માટે કપરો કાળ હતો. રેસ્ક્યૂ, રિલિફ અને રિહેબિલીટેશનનું અસરકારક કાર્ય તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં શરૂ થયું હતું. આજે કચ્છને જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે એવો વિકાસ આ ક્ષેત્રનો થયો છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોને રાજ્યમંત્રીશ્રીએ બિરદાવીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી હાર્દિક મામણીયાએ પ્રાસંગિક પ્રવચન કરીને ભૂકંપ દરમિયાન એક અખબાર તરીકે કચ્છમિત્રના પ્રયાસો વિશે સૌને અવગત કરાવ્યા હતા. ભૂકંપમાંથી શીખ લઈને આપદા વ્યવસ્થાપન માટે ગામડે ગામડે કચ્છમિત્રના પ્રતિનિધિઓને જીએસડીએમના સહયોગથી તાલીમબદ્ધ કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું. ભૂકંપ બાબતે ઘરની સ્થિરતા વિશે માહિતી આપતી આર્ટફિશિયલ લેબ અને કચ્છમિત્ર ફેલોશીપની તેઓએ જાહેરાત કરી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, નાગરિકોની સલામતી માટે અખબારના માધ્યમથી એક કોલમ ચલાવાને આપદા સમયે બચાવ અંગે જનજાગૃતિ ફેલાવાશે.
સ્વાગત પ્રવચન કરતાં કચ્છમિત્ર અખબારના તંત્રીશ્રી દિપકભાઈ માંકડે જણાવ્યું હતું કે, કચ્છ પ્રદેશે સદીઓથી અસ્તિતત્વની લડાઈ લડી છે. ભૂકંપ, વાવાઝોડા, દુકાળ વગેરે વચ્ચે હિંમતભેર ટકી રહેવાની ખાસિયત કચ્છમાં રહેલી છે. શ્રી દિપકભાઈએ કચ્છના વિનાશક ભૂકંપ, કચ્છીમાડુઓની હિંમત, સરકારના પ્રયાસો વગેરે વિશે માહિતી આપીને સ્મૃતિવંદના કાર્યક્રમમાં સૌને આવકાર આપ્યો હતો. તેઓએ વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારાને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભૂકંપના ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે આયોજિત સ્મૃતિવંદના કાર્યક્રમમાં સામૂહિક શ્રદ્ધાંજલિની સાથેસાથે ગતિશીલ કચ્છના વિકાસની ગાથાને વર્ણવતી નૃત્યનાટિકા, કૉફી ટેબલ બુકનું વિમોચન, ભૂકંપ આધારિત વેબ સિરિઝ વગેરેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ભૂકંપની આપદામાંથી હેમખેમ બચી ગયેલા લોકોએ પોતાના જીવન સંઘર્ષની ગાથા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.
આ સ્મૃતિવંદના “ધ્રુજારી-એક નવી શરૂઆત” કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી પ્રવણભાઈ અદાણી, શ્રી અતુલભાઈ એન્કરવાલા, શ્રી સંજયભાઈ એન્કરવાલા, જીએસડીએમએના સીઈઓશ્રી આલોક પાંડે, બીએસએફના ડીજીઆઈશ્રી વાય.એસ.રાઠોડ, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, સ્મૃતિવન મ્યૂઝિયમ ડીરેક્ટરશ્રી મનોજ પાંડે સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.