વલ્લભીપુરમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં‌ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વલ્લભીપુર ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું અને જનમેદનીને સંબોધી રાષ્ટ્રપ્રેમ, સંવિધાન મૂલ્યો અને વિકાસ યાત્રા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. પ્રભારી મંત્રીશ્રી કૌશિક ભાઈ વેકરીયા એ પોતાના સંબોધનમાં વલ્લભીપુરની ઐતિહાસિક ધરતીને નમન કરતાં જણાવ્યું કે ,વલ્લભીપુર પ્રાચીન સમયમાં જ્ઞાન અને સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું હતું. વલ્લભી વિદ્યાપીઠે દેશ-વિદેશના વિદ્વાનોને આકર્ષ્યા હતા, જે ગુજરાતની વૈભવી શૈક્ષણિક પરંપરાનું પ્રતિક છે. તેમણે સૌરાષ્ટ્રના ગૌરવરૂપ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના લોકકલ્યાણકારી શાસનને યાદ કરતાં જણાવ્યું કે શાળાઓ, હોસ્પિટલો, પુસ્તકાલયોની સ્થાપના અને ખેડૂતોનું દેવું માફ કરવું જેવી કામગીરી સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રભારી મંત્રીશ્રીએ ભારતીય બંધારણના ઘડવૈયાઓ તથા દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું કે પ્રજાસત્તાક માત્ર અધિકારો આપતું નથી, પરંતુ નાગરિક તરીકે જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે. તેમણે જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વમંચ પર મજબૂત, આત્મનિર્ભર અને સંસ્કૃતિપ્રધાન રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાત રાજ્કીય, આર્થિક, ઔદ્યોગિક અને ઊર્જા ક્ષેત્રે દેશને દિશા દર્શાવી રહ્યું છે.એક બાજુ આપણી આ ભવ્ય વિરાસત છે અને બીજી બાજુ આજે ચોમેર વિકાસ થઇ રહ્યો છે, એટલે જ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે કે, ‘વિરાસત ભી ઓર વિકાસ ભી.’ ભાવનગર જિલ્લાના વિકાસ કાર્યોની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે જિલ્લામાં સૌર ઊર્જાના ઉપયોગમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને હજારો ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ છે. ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળે તે માટે ‘સૂર્યોદય યોજના’ અમલમાં મૂકાઈ છે. વીજ જોડાણ પ્રક્રિયા સરળ બનાવી એક જ દિવસમાં વીજ પુરવઠો શરૂ કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.ગુજરાત સરકારની દૂરંદેશીતાના પરિણામે ગરીબી રેખાની નીચે જીવતા નાગરિકોને રાહત દરે વીજ કનેકશન આપીને સમાજના છેવાડાના માનવીના ઘરમાં પણ અજવાળું પથરાયું છે. સોલાર રૂફટોપ યોજના તથા પ્રધાન મંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં રહેણાંક વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને વધારવાના હેતુથી ૪૧ હજારથી વધુ ગ્રાહકોને ત્યાં સોલર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જેની કુલ સ્થાપિત ક્ષમતા ૧૮૧,૦૫૪ કિલોવોટ છે. આ સાથે ભાવનગર જિલ્લાએ સોલાર રૂફટોપ બાબતે બીજો ક્રમ મેળવ્યો છે. તેમણે કહ્યું કે,સતત, ગુણવત્તાસભર અને વિશ્વસનીય વિદ્યુત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભવનગર સર્કલ હેઠળ કુલ-૨૨ ફીડર પર MVCC કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, ખેડૂતોને સહાય, પાક ખરીદી તથા સંગ્રહ વ્યવસ્થાઓ મજબૂત બનાવવાના પ્રયાસોની પણ માહિતી આપવામાં આવી. સહકારી ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા અને ગ્રામ વિકાસને વેગ આપવા વિવિધ યોજનાઓ અમલમાં છે. રમતગમત ક્ષેત્રે ગુજરાત ઓલિમ્પિક સપનાને સાકાર કરવા દૃઢ નિશ્ચય સાથે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં આધુનિક રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે અને યુવા ખેલાડીઓને તાલીમની તકો મળી રહી છે. અંતમાં પ્રભારી મંત્રીશ્રીએ સૌને સંવિધાનના મૂલ્યો — એકતા, ઈમાનદારી અને રાષ્ટ્રપ્રતિ નિષ્ઠા — જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું અને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વલ્લભીપુર તાલુકાના વિકાસ કાર્યો માટે મંત્રીશ્રી દ્વારા જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર બંસલને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગોના કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્યશ્રી શંભુપ્રસાદ ટુંડીયાજી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે મંત્રીશ્રીએ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે ૯ જેટલી વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી શંભુપ્રસાદ ટુંડીયાજી, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય, નાયબ વન સંરક્ષકશ્રી વાય .એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરુ, સિહોર પ્રાંત અધિકારીશ્રી ભૂમિકાબેન વાટલીયા, મામલતદાર શ્રી કે.જી.પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેહુલસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ શ્રી વિજયસિંહ ગોહિલ સહિત આમંત્રિત મહેમાનો, પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા