ભુજ ખાતે અનુસૂચિત જાતિ પેટા યોજના તથા તકેદારી સમિતિની  સમીક્ષા બેઠક યોજાઇ

ભુજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

        આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની સમીક્ષા તથા વિવિધ યોજના હેઠળ લાભાન્વિત લાભાર્થીઓનું સમવર્તી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા માટેની રૂ.૪૧૭૪.૦૩ લાખની જોગવાઇ સામે મળેલી રૂ.૩૨૭૮.૩૬ લાખની ગ્રાન્ટમાંથી ડિસેમ્બર-૨૦૨૫ અંતિત સુધીમાં રૂ.૨૫૭૨.૯૫ લાખનો ખર્ચ થયો હોવાની માહિતી બેઠકમાં રજૂ કરાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કુટીર ઉદ્યોગ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, સિંચાઇ શાખા, પોષણ કાર્યક્રમ સહિતના વિવિધ અમલીકરણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મહત્તમ લાભ મળે તે રીતે યોજનાનું અમલીકરણ કરવા પર નાયબ નિયામક(અનુસૂચિત જાતિ) શ્રી વિનોદ રોહિતે ભાર મૂક્યો હતો.

        તકેદારી સમિતિની બેઠકમાં નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ, અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ, ચાર્જશીટ બાકી હોય એવા બનાવો, પડતર કેસ, અનુ.જાતિના અત્યાચારો સામેની કાર્યવાહી અંગેની કામગીરી સંભાળતા સરકારી વકીલોની કામગીરીની સમીક્ષા, અનુ.જાતિ ઉપરના અત્યાચારના બનાવોમાં સહાયની ચૂકવણી સહિતના મુદાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી.

        આ તકે ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને અધ્યક્ષસ્થાનેથી ફાળવાયેલી રકમ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પાછળ જ થાય તેની પુરતી કાળજી રાખવા તથા યોજનાઓની બહોળી પ્રસિદ્ધિ કરવા ઉપરાંત કોઇપણ ઘટનામાં સંવેદના સાથે કામગીરી કરીને ગુનાનો ભોગ બનનારને ન્યાય મળી રહે તથા સમાજમાં સમરસતા જળવાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

        નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણે બેઠકમાં માર્ગદર્શન સાથે સંલગ્ન વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મહત્તમ લાભ આપીને ગ્રાન્ટનો સમયમર્યાદામાં વપરાશ કરવા જણાવ્યું હતું.‌ આ ઉપરાંત, મેન્યુઅલ સ્કેવેન્જર્સ અંગેની બેઠક પણ અધિકારીશ્રીઓ સાથે યોજાઈ હતી.

બેઠકમાં સમિતિના સભ્યોએ યોજનાકીય લાભો ઝડપથી મળે તે માટે રજૂઆત કરી હતી. આજની બેઠકમાં સભ્યશ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પુરુષોત્તમ મારવાડા, કાનજીભાઇ ભર્યા, લતાબેન મકવાણા, માવજીભાઇ મહેશ્વરી, રમેશભાઇ ચારણ, અતુલભાઇ જાદવ, હરીલાલ રાઠોડ, રમેશભાઇ ધુવા, જખુભાઇ મહેશ્વરી, કાંતાબેન પરડવા, એસ.જી. રાણા, એ.પી.પંડ્યા, ડી.એન.મકવાણા, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામકશ્રી વિનોદ રોહિત, પ્રોજેક્ટ ઓફિસર દલાભાઈ આહિર તથા અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.