ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ચપરેડી (અટલનગર) ખાતે રૂ. ૧૯૦.૮૭ લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત સંપન્ન

આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ભુજ તાલુકાના ચપરેડી (અટલનગર) ગામે અંદાજે રૂ.૧૯૦.૮૭ લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી શિક્ષણ, પાણી અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચાડી ગામડાઓને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે કોઈપણ કામ અટકે નહીં તેની કાળજી સરકાર દ્વારા લેવાઈ રહી છે. નાગરિકોને એકમેકના સધિયારાથી સંપ રાખીને આગળ વધવા તેઓએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી દ્વારા મુખ્યત્વે રૂ.૯૭.૩૭ લાખના ખર્ચે નવનિર્મિત અટલનગર પ્રાથમિક શાળાના નૂતન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા મળી રહે તે હેતુથી રૂ.૩૪.૧૯ લાખની પાણી પુરવઠા યોજનાનું કામ સહિત રૂ. ૩૩.૦૦ લાખના CSR અંતર્ગત BKT કંપનીના કામો, રૂ. ૧૯.૦૦ લાખના ગ્રામ પંચાયતના વિવિધ વિકાસકામો અને રૂ. ૭.૩૦ લાખના કચ્છ સિંચાઇ વિભાગના કામોનું લોકાર્પણ/ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હરીભાઈ જાટીયા, શ્રી દામજીભાઈ ચાડ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, અગ્રણીશ્રી ભીમજીભાઈ જોધાણી, ચપરેડી સરપંચ શ્રીમતી રીટાબેન ગાગલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.