મુન્દ્રાની બાળકીનું અમદાવાદમાં સફળ ઓપરેશન, પરિવારના ચહેરે ફરી ખીલ્યું સ્મિત

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સમયસર ઓળખ અને અવિરત મહેનત કોઈના જીવન માટે સંજીવની બની શકે છે તેનું ઉદાહરણ કચ્છના મુન્દ્રામાં જોવા મળ્યું. RBSK ટીમની સંવેદનશીલ કામગીરીના કારણે જન્મજાત હૃદયની ખામી ધરાવતી સાનવી વિરાજ યાદવનું સફળ ઓપરેશન થયું અને તેને નવું જીવન મળ્યું.
RBSK હેઠળ કાર્યરત મુન્દ્રા ટીમ આરોગ્ય સેવાઓને દુર્ગમ વિસ્તારો સુધી પહોંચાડવા માટે સતત સર્વે કરી રહી હતી. આ દરમિયાન નારણવાડી ગામમાં રહેતી સાનવીની તપાસ કરતાં ટીમે તેનામાં જન્મજાત હૃદયની ખામી હોવાનું નિદાન કર્યું. સાનવીનો પરિવાર મૂળ બિહારનો હોવાથી સારવાર માટે જરૂરી રહેઠાણના પુરાવા અને સરકારી દસ્તાવેજો મેળવવામાં ભારે મુશ્કેલી હતી. પરંતુ RBSK ટીમે ફક્ત રીફર કરીને પોતાની ફરજ પૂરી ન કરી. ડૉ. સંજય યોગી, ડૉ. અવની બેંકર, FHW મનીષાબેન અને ફાર્માસિસ્ટ અકાંક્ષાબેન સહિતની ટીમે તલાટીશ્રી, તાલુકા આરોગ્ય કચેરી અને મામલતદાર કચેરી સાથે સતત સંકલન કરી તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવ્યા.
CDHO ડૉ. મિતેશ ભંડેરી, RCHO અને THO, મુન્દ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવી. ટીમે પરિવારનો હિંમત આપી દરેક પગલે સાથ આપ્યો. ટીમના પ્રયાસોના પરિણામે તા. 30 જૂન, 2026ના રોજ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ ખાતે સાનવીનું સફળ હૃદય ઓપરેશન કરવામાં આવ્યું.
ઓપરેશન બાદ RBSK ટીમે ઘરે જઈને ફોલોઅપ પણ કર્યું. હાલ સાનવી સંપૂર્ણ સ્વસ્થ છે, સામાન્ય જીવન જીવી રહી છે. તેના ચહેરા પર ફરી ખુશી પરત ફરી છે.
સાનવીના પરિવારે ડૉક્ટરો, RBSK ટીમ, તાલુકા અને જિલ્લા આરોગ્ય ટીમનો આભાર માનતા કહ્યું કે “આ સારવાર અમારા માટે નવી આશા અને નવું ભવિષ્ય લઈને આવી છે.”
આ સફળતા ગાથા સાબિત કરે છે કે RBSK માત્ર નિદાન જ નથી કરતું, પરંતુ બાળક અને પરિવારને સમયસર સારવાર અને સતત સહયોગ આપીને જીવનમાં નવી આશા પ્રગટાવે છે. ટીમની નિષ્ઠા અને સેવાભાવના કારણે આજે એક નિર્દોષ બાળકીનું જીવન સુરક્ષિત બન્યું છે.