ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ઝીકડી ગામે રૂ.૧.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળા ભવનનું લોકાર્પણ

કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધારવા અને બાળકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ગુજરાત સરકારના મંત્ર સાથે ભુજ તાલુકાના ઝીકડી ગામે રૂ.૧.૯૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક માધ્યમિક શાળાના નૂતન ભવનનું રિબન કાપીને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ બાળકો સાથે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યૂટર રૂમ અને સ્ટેમ લેબને ખુલ્લી મૂકી હતી.
આ પ્રસંગે ઝીકડી ગ્રામજનોને સંબોધન કરતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દીકરીઓ આજે દીકરાઓ કરતાં વધારે શિક્ષિત થઈ રહી છે. રાજ્યના ધો.૧૦ અને ધો. ૧૨ના પરિણામના આંકડાઓ પરથી જાણી શકાય છે કે, દીકરીઓ શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને સાકાર કરવા સક્ષમ બની છે. શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આપીને રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાધુનિક સુવિધાઓ સાથેની શાળાઓનું નિર્માણ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. સરકાર છેવાડાના ગામના વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે. રાજ્યમંત્રીશ્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, રૂ.૧.૯૩ કરોડના ખર્ચે બનેલું માધ્યમિક શાળાનું નૂતન ભવન માત્ર ઈંટોની ઈમારત નથી, પણ ઝીકડીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. સ્માર્ટ ક્લાસ અને લેબ દ્વારા ગામના બાળકો હવે વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવશે.
નૂતન ભવનમાં શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ અંતર્ગત ડિજિટલ શિક્ષણ માટે પ્રોજેક્ટર અને ઇન્ટરેક્ટિવ બોર્ડની સુવિધા, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અદ્યતન સાધનો સાથેની સ્ટેમ લેબ(વિજ્ઞાન પ્રયોગશાળા) અને બાળકોને ડિજિટલ યુગમાં સક્ષમ બનાવવા માટે લેટેસ્ટ સિસ્ટમ સાથેની કોમ્પ્યૂટર લેબ પણ બનાવવામાં આવી છે. શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શાળા કેમ્પસની મુલાકાત લીધી હતી. તેમણે વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર રૂમની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ઝીકડી ગામના સામાજિક અગ્રણીઓ અને વાલીઓએ શાળાની નવી સુવિધાને આવકારી હતી. ગામના આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રાજ્યમંત્રીશ્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ પાઘ અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મશરૂભાઈ રબારી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, અગ્રણી સર્વેશ્રી દામજીભાઈ ચાડ, શ્રી હરિભાઈ જાટિયા, શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી ભુરાભાઈ આહિર, શ્રી સતિશભાઈ આહિર, સરપંચશ્રી વાલજીભાઈ આહિર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, આચાર્યશ્રી રમીલાબેન ડામોર સહિત ગ્રામજનો, વિવિધ ગામના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.